ગીર પંથકમાં દીપડાની જોડીએ ત્રણ લોકો પર કર્યો હુમલો જૂનાગઢ : ગીર પંથકમાં દીપડાનો હાહાકાર દિવસે અને દિવસે વધી રહ્યો છે. બે દિવસ પૂર્વે જામવાળા નજીકથી ચાર દિવસમાં ચાર દીપડા પાંજરે પુરાયા હતા, ત્યારે આજે ફરી એકવાર નર અને માદા દીપડાની જોડીએ ગીર ગઢડા ગામમાં વહેલી સવારથી લોકો પર હુમલો કરીને તેને ઈજા પહોંચાડી છે. આ હુમલાને લઈને સમગ્ર ગામ દીપડાના હુમલાના ભયથી થરથર કાપતું જોવા મળ્યું હતું. વહેલી સવારે 5:00 વાગ્યાના અરસામાં નર અને માદા દીપડાની એક જોડી ગામમાં શિકાર કરવાને ઇરાદે ઘૂસી હતી, પરંતુ શિકાર નહીં મળતા ગામની એક મહિલા અને યુવાનને દીપડાની જોડીએ નિશાન બનાવ્યા હતા, પરંતુ સદનસીબે આ બંને લોકોને ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
વહેલી સવારે સાત વાગ્યે નર અને માદા દીપડાની જોડી ઘરમાં ઘૂસી હતી. નાનાભાઈની વહુ અને દીકરા પર હુમલો કર્યો હતો. વહેલી સવારે સાત વાગે વન વિભાગની ટીમને જાણ કર્યા હોવા છતાં પણ સવારના 11:00 કલાકે વન વિભાગના કર્મચારીઓ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વગર ગામમાં પહોંચ્યા હતા. જેને કારણે દીપડાના હુમલામાં એક વન કર્મચારીને પણ ઇજાઓ થવા પામી હતી. ત્યારબાદ 12 વાગ્યાના અરસામાં દીપડાને પાંજરે પુરવા માટેની રેસ્ક્યુ ટીમ પહોંચી હતી. બપોરના બે કલાક સુધીમાં નર અને માદા દીપડાની જોડીને બેભાન કરીને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી હતી.- કમલેશ ચાંદરાણી (ઈજાગ્રસ્તના પરિવારજન)
દીપડાના ત્રાસથી અનેકવાર તંત્રને જાણ કરી : ગામના સરપંચ કરશન ભાલીયાએ જણાવ્યું હતું કે, ગીર પંથકમાં દીપડાના ત્રાસને લઈને અમે અનેક વખત વન વિભાગને રજૂઆત કરી છે. રાજ્ય સરકાર સુધી દીપડાના ત્રાસને લઈને અનેકવાર પંચાયત દ્વારા ઠરાવો કરીને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવ્યા છે, પરંતુ દીપડાના હુમલા અને માનવ વસ્તી વચ્ચે દીપડાની હાજરીનું પ્રમાણ દર વર્ષે સતત વધી રહ્યું છે. જે ચિંતાનો વિષય છે. આજે પણ બે દીપડા ગામમાં ઘૂસીને ગામની મહિલા અને યુવાનને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા છે. તેમ છતાં વન વિભાગ દ્વારા સમય રહેતા દીપડાના હુમલાને ઘટાડવા માટેની કામગીરી કરાઈ નથી. તે ખૂબ ચિંતાનો વિષય છે.
દીપડાનું રેસ્ક્યુ માટે પરસેવો વળી ગયો : ETV Bharat જસાધાર એનિમલ કેર સેન્ટરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભરવાડનું ટેલીફોનીક સંપર્ક કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. પરંતુ વન વિભાગના કર્મચારી ઈજાગ્રસ્ત મહિલા અને યુવાનના ઘરે પહોંચીને સરકારી કાર્યવાહી પૂર્ણ કરીને આગામી દિવસોમાં તેમને સરકાર દ્વારા નિર્ધારિત સહાય મળશે તેવું આશ્વાસન આપીને સરકારી ચોપડે નોંધ કરીને નીકળી ગયા છે. આ અગાઉ સવારે 11:00 કલાકે આવેલી રેસ્ક્યુ ટીમના સદસ્યોએ દીપડાને બેભાન કરીને પાંજરે પૂરવામાં પરસેવો વળી ગયો હતો. ચાર કલાકની ભારે જહેમત બાદ નર અને માદા દીપડાની જોડીને બેભાન કરીને પાંજરે પૂરવામાં આવી હતી.
જંગલ ખૂબ ગાઢ બની ગયું છે, આવી પરિસ્થિતિમાં દીપડાને શિકારની શક્યતાઓ ઓછી થઈ રહી છે. જામવાળા અને ગીર ગઢડા પંથકની માટી રતાશ પડતી હોવાને કારણે પણ દીપડાને આ વિસ્તારમાં છુપાઈ રહેવાની સરળતા પ્રાપ્ત થાય છે. જેને કારણે દીપડાઓ આ વિસ્તારમાં સતત વધી રહ્યા છે. દીપડાને શિકાર માટે જે વન્ય પ્રાણીઓની સંખ્યા નિર્ધારિત જંગલ વિસ્તારમાં હોવી જોઈએ તે નહીં હોવાને કારણે દીપડાઓ જંગલી બહાર નીકળીને ખોરાકની શોધ કરતા હોય છે. ક્યારે ખોરાક નહીં મળવાને કારણે દીપડાઓ ઉશ્કેરાટમાં અને ભયભીત બનીને લોકો પર હુમલા કરે છે. જેમાં કેટલાક હતભાગી લોકોના મૃત્યુ પણ થયા છે. - વાઘજી ડેર (પૂર્વ ફોરેસ્ટર)
દીપડાની ગણતરીના આંકડા :તાજેતરમાં જ વન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં દીપડાની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે, ત્યારબાદ દીપડાની વસ્તીના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા નથી. આ બાબત ખૂબ જ શંકા ઉપજાવે તેવી છે. પ્રાથમિક અંદાજ અનુસાર માત્ર સૌરાષ્ટ્ર, ગીર પૂર્વ અને ગીર પશ્ચિમની રેન્જમાં જંગલી સરખામણીએ દીપડાની સંખ્યા ચારથી પાંચ ગણી હોવાની શક્યતાઓને નકારી શકાતી નથી, વધુમાં સમગ્ર રાજ્યમાંથી દીપડાની સંખ્યાનો જે આંકડો વન વિભાગને પ્રાપ્ત થયો હશે. તે ખૂબ જ ચોંકાવનારો અને દીપડાની વસ્તી સમગ્ર ગુજરાતમાં ખૂબ પ્રમાણમાં વધી હશે. જેને કારણે દીપડાની વસ્તી ગણતરી થયા બાદ તેના સત્તાવાર આંકડાઓ જાહેર કરવામાં આવ્યા નથી.
- Surat News : સાત વર્ષ બાદ સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી શરુ, કેવી રીતે થાય છે કામગીરી જાણો
- Vadodara News : ડભોઇના નાગડોલમાં ખેતરમાંથી મોંઢામાંથી લોહી નીકળેલી હાલતમાં દીપડાનો મૃતદેહ મળ્યો
- Amreli News: ધારીમાં આંબરડી સફારી પાર્કમાં ફેન્સિંગ કૂદી દીપડો અંદર પ્રવેશ્યો, વાહનચાલકે મોબાઈલમાં ઝડપ્યાં દ્રશ્ય