ગીર પૂર્વના સરસીયા રેન્જમાં 4 સિંહો ખુલ્લા કુવામાં ખાબક્યા ગીર પૂર્વના સરસીયા રેન્જના આંબડી બીટના માનવાવ ગામમાં એક ખુલ્લા કુવામાં એક સાથે 4 સિંહો ખાબકવાનો મામલો સામે આવ્યો હતો. આ સિંહોમાં 3 નર અને એક માદા સિંહણનો સમાવેશ થાય છે. જો કે, આ ગામના ખેડૂતને આ વાતની જાણ થતાં તરત જ તેણે વન વિભાગને જાણ કરી હતી અને તાત્કાલિક જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જે બાદ વન વિભાગની ટીમની 5 કલાકની ભારે જહેમત બાદ તમામ સિંહોને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ગીરના સરસીયામાં વન વિભાગની સફળ કામગીરી, કૂવામાંથી કર્યું 4 સિંહોનું રેસ્ક્યુ - ગીર પૂર્વના સરસીયા રેન્જ
ગીર: રાજ્યમાં અમુક સમય પહેલા સિંહોના મારણ અને ખુલ્લા કુવામાં ખાબકવાના કિસ્સાઓ સામે આવ્યા હતા, ત્યારે હાલ ગીર પૂર્વના સરસીયા રેન્જમાંથી 4 સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ 4 સિંહો અકસ્માતે માનવાવ ગામના ખુલ્લા કુવામાં પડી જતાં વન-વિભાગ દ્વારા રાત્રીના સમયે રેસ્ક્યુ કરીને તમામ સિંહોને કુવામાંથી બહાર કાઢીને એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા.
ગીર વન વિભાગની સફળ કામગીરી, કૂવામાંથી કર્યું 4 સિંહોનું રેસ્ક્યુ
ઉલ્લેખનીય છે કે, આ કુવો અંદાજીત 100 ફૂટ જેટલો ઉંડો તેમજ પડતર હતો. જેને લઇને સિંહોને કોઇ નુકસાન થવા પામ્યું ન હતું. વન વિભાગ દ્વારા રેસ્ક્યુ બાદ જાહેર કરવામાં આવ્યું હતું કે, રેસ્ક્યુ કરેલા તમામ સિંહો અંદાજે 2થી 4 વર્ષના છે અને હાલ સિંહોને પ્રાથમિક સારવાર આપીને વન વિભાગના નિરીક્ષણ નીચે રાખવામાં આવ્યાની વિગતો સામે આવી છે.