- કમોસમી વરસાદ - ભારે પવનને કારણે કેરીના પાકને નુકસાનની શક્યતા
- સતત બીજા વર્ષે કેરીનો પાક પ્રતિકૂળ હવામાનનો બન્યો ભોગ
- અગાઉ ભારે ઝાકળને કારણે પ્રથમ ફાલ ખર્યો હતો
જૂનાગઢ: આજે સાંજે અચાનક જૂનાગઢ જિલ્લા અને ગીર વિસ્તારમાં વાતાવરણમાં અચાનક જોરદાર પલટો જોવા મળ્યો હતો અને 5 વાગ્યાની આસપાસ ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે ગીરની શાન સમી કેસર કેરીના પાક પર ખૂબ મોટું નુકસાન થવાની શક્યતાઓ ઊભી થઈ છે. વર્તમાન સમયમાં કેરીના પાકને પ્રતિકૂળ એવું વાતાવરણ ખાસ કરીને વરસાદ અને ભારે પવન ઉભું થઇ રહ્યું છે.
વધુ વાંચો:તાલાલામાં અનુકુળ હવામાન ન હોવાના લીઘે કેસર કેરીના પાકને ફટકો, વળતર માટે રજૂઆત
ઉનાળાની શરૂઆતમાં પણ ઝાકળને કારણે કેરીઓ ખરી પડી
ઉનાળાની શરૂઆતના દિવસોમાં વહેલી સવારે ખૂબ ઝાકળ વર્ષા થતી હતી, ત્યારબાદ બપોરના સમયે અચાનક અતિ તીવ્ર ગરમી પડતી હતી. આ બન્ને પ્રતિકૂળતાને કારણે કેસર કેરીનો પ્રથમ ફાલ 50 ટકા કરતાં વધુ ખરી પડ્યો હતો. અચાનક આંબામાં નવા પાન આવવાને કારણે પણ કેરીનો વિકાસ અટકી ગયો. થોડા સમય બાદ પ્રથમ ફાલની 70 ટકા જેટલી કેરીઓ આંબા પરથી ખરી પડી હતી. જેને લઇને ખેડૂતો પણ ખૂબ જ ચિંતિત બન્યા હતા. ત્યારે આજે બળતામાં ઘી હોમાતું હોય તે પ્રકારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. આવું વાતાવરણ કેરીના પાકને ખૂબ મોટું નુકસાન કરી શકે છે.
વધુ વાંચો:તાલાળા માર્કેટિંગ યાર્ડમાં 6મેથી કેસર કેરીની હરાજી શરૂ થશે
વર્ષોથી ગીર વિસ્તારનો કેસર કેરીનો પાક નુકસાની વેઠવી રહ્યો છે
છેલ્લા પાંચેક વર્ષની જો વાત કરીએ તો જૂનાગઢ અને ગીર વિસ્તારમાં કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતા અને કમોસમી વરસાદને કારણે નુકસાનમાં જઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં દર વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઘટવાની સાથે કેરીની ગુણવત્તા પણ નબળી બની રહી છે. આથી જગતનો તાત ખાસ કરીને કેરીની ખેતી સાથે સંકળાયેલા તમામ ખેડૂતો ખૂબ જ ચિંતિત બની રહ્યા છે. વર્ષમાં માત્ર એક વખત થતો કેરીનો પાક પાછલા પાંચ વર્ષથી વાતાવરણની પ્રતિકૂળતાને કારણે ખૂબ જ સંકટમાં જોવા મળી રહ્યો છે. વધુ એક વખત ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને પવનની માર કેરીના પાકને ખૂબ મોટું નુકસાન કરાવી જવાની ફરી એક વખત ભીતિ ઊભી થઈ છે.