ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ આસપાસ સિંહોના શંકાસ્પદ શિકાર મામલે વન વિભાગે કરી 5ની અટકાયત - જૂનાગઢ જંગલ વિભાગ ન્યૂઝ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાભા ગામમાંથી કેટલાક યુવકો વન્ય પ્રાણીઓને ફંદામાં ફસાવવાના આરોપ સાથે વન વિભાગે ઝડપી લીધા હતા. જે પૈકીના આરોપીની વન વિભાગે ઉંડાણપૂર્વક તપાસ કરતા વન વિભાગની પકડમાં રહેલા 5 આરોપીઓ પૈકી એક આરોપીએ થોડા સમય પહેલા એક સિંહબાળને આ પ્રકારે ફંદામાં ફસાવીને તેની હત્યા કરી હોવાનો ચોંકાવનારી કબુલાત આપતા વન વિભાગે મુખ્ય આરોપી સહિત અન્ય 5 આરોપીને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓ
આરોપીઓ

By

Published : Feb 13, 2021, 9:09 PM IST

  • ગીરના સિંહો પર મંડરાઈ રહ્યું છે કાળમુખા શિકારીઓનો ફંદો
  • તપાસમાં એક શંકાસ્પદ વ્યક્તિએ સિંહની હત્યા કર્યાનું કબૂલ્યું
  • ફરી સાવજો પર જોવા મળી રહ્યો છે કાળમુખા શિકારીઓનો ફંદો

ગીર સોમનાથ :જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ખાંભા ગામમાં કેટલાક યુવકો વન્યજીવોને ફાંસલામાં ફસાવીને હત્યા કરવાના ગંભીર ઈરાદા સાથે વન વિભાગએ પકડી પાડયા હતા. પકડાયેલા ૨૮ જેટલા વ્યક્તિઓ પૈકી કેટલાક યુવકો શંકાસ્પદ હિલચાલને કારણે વન વિભાગની રડારમાં જોવા મળતા હતા. ત્યારે જૂનાગઢ નજીક ડુંગરપુરના એક વ્યક્તિને વન વિભાગે શંકાના આધારે પાછલા એક અઠવાડિયાથી સધન પુછપરછ કરી રહી હતી. જેમાં તેમણે સિંહબાળને આ રીતે ફાંસલામાં ફસાવીને નિર્મમ હત્યા કરી હોવાની કબુલાત આપતા વન વિભાગ પણ ચોંકી ઉઠયું હતું. વન વિભાગે મુખ્ય આરોપી સહિત અન્ય 5 આરોપીને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વન સંરક્ષક કચેરી

ગીરના સિંહો પર શિકારીઓનો ફરતાં ડોળાની શંકા

અંદાજિત 15 વર્ષ બાદ ફરી એક વખત ગીરના સિંહો પર શિકારીનો કાળ મુખો ડોળો ફરતો હોય તેવી પ્રબળ શક્યતાઓ સામે આવી રહી છે. વર્ષ-2007 પહેલા મધ્યપ્રદેશની એક શિકારી ટોળકીએ ગીર વિસ્તારમાં આવીને સાત સિંહોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ વન વિભાગનું ચોક્કસ અને સતેજ પેટ્રોલિંગ ગીરના સિંહોને શિકારથી સુરક્ષિત કરી રહ્યું હતું, પરંતુ હવે જ્યારે એકસાથે 20 કરતાં વધુ યુવકો સિંહનો શિકાર કરવા અથવા તો તેને ફસાવવા માટે કોઈ કાવતરું રચી રહ્યા હોય તેવું વન વિભાગની તપાસમાં બહાર આવતા વન વિભાગ ચોંકી ગયું છે.

વન વિભાગના નાયબ સાથેની વાતચીત

સમગ્ર મામલાને લઈને વન વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. સુનીલ બેરવાલે સાથેની ટેલિફોનિક વાતચીતમાં ઘટના અંગે જણાવ્યું કે, હાલ કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ વન વિભાગની પકડમાં છે તેમજ હજૂ કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ વન વિભાગની રડારમાં છે. જે આગામી દિવસોમાં તપાસ પૂર્ણ થયે વધુ કેટલીક વિગતો બહાર આવશે, પરંતુ હાલ સિંહની હત્યા કરવા જેવી બાબત આરોપીઓએ કબૂલ કરી છે, ત્યારે કોઈ પણ ખુલાસાઓ આરોપી સુધી પહોંચવા માટે વન વિભાગને મુશ્કેલી ઉભી કરી શકે છે, માટે હાલના સમયે પકડાયેલા તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે.

વન વિભાગની તપાસ

વન્યજીવ પ્રેમીઓ શિકાર બાબતે વ્યક્ત કરી રહ્યા છે શંકાઓ

આ ઘટના બાદ વન્યજીવ પ્રેમીઓમાં અનેક શંકાઓ પ્રવર્તી રહી છે. તેમનું માનવું છે કે, વન્યજીવો અને ખાસ કરીને સિંહોના શિકાર સાથે રાજ્ય બહાર રહેતા કેટલાક શિકારીઓ ગુજરાતના સ્થાનિક લોકોને આ પ્રકારની ગતિ વિધિમાં સામેલ કરીને સિંહના શિકાર જેવી ગંભીર અને અક્ષમ્ય કહી શકાય તેવા ગુનાઓ તરફ દોરતા જોવા મળી રહ્યા છે. બની શકે છે કે આવા શિકારીઓ ગુજરાત બહારથી ગુજરાતના સ્થાનિક લોકોને શિકાર જેવી પ્રવૃત્તિઓમાં સામેલ કરીને પોતાના મલીન ઈરાદાઓ રાજ્ય બહારથી પૂરા કરતા હોય તેવી શંકાઓ વન્યજીવ પ્રેમીઓ લગાવી રહ્યા છે અને વધુમાં એવી માગ પણ કરી રહ્યા છે કે, સમગ્ર મામલાની તલસ્પર્શી અને ઉંડાણપૂર્વકની તપાસ થાય તો 2007ની માફક શિકારી ટોળકીનો કોઈ પર્દાફાશ થવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી.

ABOUT THE AUTHOR

...view details