- કેશોદમાં યુવાન પર અજાણ્યા શખ્સોએ કર્યુંફાયરીંગ
- પ્રેમપ્રકરણને લઇને થયું યુવાન પર ફાયરિંગ
- ફાયરીંગની ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ ઘટના સ્થળે
જૂનાગઢ : કેશોદની નોબલ હોસ્પિટલ રોડ પર મેટાડોરમાં નિંદ્રાધીન યુવક પર ફાયરિંગની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. મેટાડોરનો ચાલક ભરત પુંજાભાઈ કુવાડીયા મેટાડોરમાં નિંદ્રાધીન હતો. તે સમયે કોઈ અજાણ્યા શખ્સે ભરતની પીઢના ભાગે ફાયરીંગ કર્યું હતું. ફાયરિંગથી ઈજાગ્રસ્ત થયેલા ભરતે ચીસો પાડતાં લોકો દોડી આવ્યા હતા. લોકો દોડી આવે તે પહેલાં જ ફાયરિંગ કરનાર અજાણ્યા શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા હતા. લોહીલુહાણ થયેલા ભરત કુંવાડીયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ફાયરિંગની ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
પ્રેમ લગ્ન કર્યાના થોડા જ દિવસોથી મળતી હતી ધમકી
આ અંગે ભરત કુંવાડીયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જેમાં ગંભીર આક્ષેપો કરી શંકા વ્યક્ત કરી હતી કે, તેના સાળા પ્રદીપ નારણભાઈ કાનગડ અને સસરા નારણભાઈ કાનગડે તેના પર ફાયરિંગ કર્યું હોવાની શંકા છે. તેણે પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, તેણે રાજકોટના આહીર ચોકમાં રહેતી યુવતી સાથે ચાર માસ પહેલાં જ પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન કર્યાના થોડા જ દિવસોથી તેને અજાણ્યા શખ્સો દ્વારા મારી નાખવાની ધમકીઓ આપી હતી.
ગુનેગારોને શોધવા જૂનાગઢ એલસીબી ટીમ રાજકોટ રવાના
ફાયરિંગમાં ઈજાગ્રસ્તે ભરતે કરેલા ગંભીર આક્ષેપોના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર પી.એમ ઝાલાએ તપાસ શરુ કરી છે. જેમના પર ફાયરીંગ કર્યાની શંકા અને આક્ષેપો કરવામાં આવ્યા છે, તે નારણ કાનગડ અને પ્રદીપ કાનગડને શોધવા માટે જૂનાગઢ એલસીબી ટીમ રાજકોટ રવાના થઈ હતી. પ્રેમ લગ્નના કારણે યુવક પર ફાયરિગની ઘટનાએ કેશોદ વિસ્તારમાં સનસનાચી મચાવી દીધી હતી. જ્યારે કેશોદ પોલીસ ભરતે કરેલી શંકાના આધાર પર તપાસનો દોર ચલાવી રહી છે.