જૂનાગઢઃ ગત રવિવારના દિવસે જૂનાગઢમાં 13મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં 200 કરતા વધુ પુરુષ સ્પર્ધકોની વચ્ચે દોડ લગાવીને જૂનાગઢનો લાલા પરમાર નામનો સ્પર્ધક રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાને જીતવામાં સફળ થયો હતો. છેલ્લા ચાર વર્ષથી જુનિયર અને સિનિયર સ્પર્ધામાં વિજેતા બની રહેલો લાલા પરમારનો પરિવાર તેમના પુત્રના પરાક્રમથી ખૂબ જ ગદગદિત જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય વિજેતા એક પછાત અને ગરીબ પરિવારમાંથી આવે છે તેનો પરિવાર રાષ્ટ્રીય કક્ષાની રમતોમાં ભાગ લઈ શકે તે પ્રકારની ટ્રેનિંગ અને સુવિધા તેના પુત્રને અપાવી નથી શક્યા તેમ છતા મજબૂત મનોબળનો લાલો જે રીતે ગિરનાર પર દોડ્યો કે સમગ્ર રાષ્ટ્રના સ્પર્ધકો તેને જોતા રહી ગયા અને જૂનાગઢના યુવાને માત્ર 55 મિનિટમાં આ સ્પર્ધા પૂર્ણ કરીને રાષ્ટ્રીય વિજેતા બન્યો હતો.
છેલ્લા 2 વર્ષથી સતત રાષ્ટ્રીય ચેમ્પિયન બનતા આવતા લાલા પરમારના પરિવારજનો પણ હવે સરકાર સમક્ષ ગુહાર લગાવી રહ્યા છે. રાષ્ટ્રીય ચેમ્પિયન ખેલાડીને રાજ્ય સરકાર કોચ કે અન્ય રમત ગમતને લગતી સુવિધાઓ પુરી કરે તો જૂનાગઢનો આ સ્પર્ધક સમગ્ર દેશ અને દેશની બહાર યોજાતી આવતી રાષ્ટ્રીય રમતોમાં ભાગ લઈને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી સમગ્ર દેશને બહુમાન અપાવી શકે તે પ્રકારનુ સામર્થ્ય ધરાવે છે. પરંતુ ગરીબ અને પછાત વર્ગમાંથી આવતો આ સ્પર્ધક રમતગમતને લઈને વિશેષ તાલીમ મળે તો આ સ્પર્ધક ભારત તરફથી ઓલમ્પિકમાં રમવાનું પણ સપનું સેવી રહ્યો છે.