જૂનાગઢ શહેરના અંબિકા ચોક વિસ્તારમાં વર્ષોથી બંધ અને જર્જરીત મકાનનો કેટલોક ભાગ રાત્રિના સમયે ધરાસાઈ થયો હતો. સદ નસીબે દુર્ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી. જો આ દુર્ઘટના સવારથી લઈને સાંજના સમયે ઘટી હોત તો જાનહાનિ થાય તે વાત નક્કી હતી. કારણકે અહીં ખાણીપીણીના ધંધાર્થીઓ સાંજના સમયે ઊભા રહેતા હોય છે. જેને કારણે ઈજા અને જાનહાની થવાની શક્યતાઓ વધુ હતી. પરંતુ જર્જરિત મકાનનો ભાગ રાત્રિના સમયે ધરાશાયી થતા કોઇ જાનહાની કે ઈજાઓ થઈ ન હતી.
જૂનાગઢમાં જર્જરિત મકાનો બન્યા ભયગ્રસ્ત - જર્જરિત મકાનો
જૂનાગઢ: શહેરમાં ભયગ્રસ્ત અને જર્જરીત મકાનોની ભરમાર વચ્ચે લોકો જીવી રહ્યા છે. શહેરના અંબિકા ચોક વિસ્તારમાં એક વર્ષો જુના મકાનની ગેલેરી ધરાશાયી થઈ હતી. જેમાં સદનસીબે કોઇ ઇજા કે જાનહાનિ થઇ નથી. પરંતુ સમગ્ર જૂનાગઢ શહેરમાં આવા ભયગ્રસ્ત મકાનો લોકો માટે આફત બની શકે છે. તેમાં મકાનોને ઉતારી લેવા લોકો દ્વારા મનપાના અધિકારીઓને વિનંતી કરવામાં આવી રહી છે.
જર્જરીત અને ભયગ્રસ્ત મકાનોની વાત કરવામાં આવેતો જૂનાગઢ શહેરમાં 59 જેટલા મકાનો મનપા દ્વારા જર્જરિત કે ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આવા મકાન માલિકોને પણ મનપા દ્વારા નોટીસ આપીને તેમની મિલ્કતોને ઉતારી લેવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પરંતુ જૂનવાણી મિલકત હોવાને કારણે મકાન માલિક અને ભાડુઆત વચ્ચે કોઈ પ્રકારનું સંકલન નહીં સધાતા તેમજ કેટલીક મિલકતો કોર્ટ કેસમાં ચાલે છે. ભયગ્રસ્ત મકાનો લોકો માટે મોત સમાન બની ગયા છે. જેને કારણે રાહદારીઓની સાથે આવી જર્જરિત ઇમારતો કે મકાનોની આસપાસમાં મિલ્કતો ધરાવતા લોકો પણ હવે ચિંતાગ્રસ્ત જોવા મળી રહ્યા છે.