- મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢ જિલ્લાની મુલાકાતે
- જૂનાગઢ જિલ્લામાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટે નવા આયોજનો અંગે આપી માહિતી
- આગામી દિવસોમાં ગિરનાર સફારી શરૂ કરવા માટે વન વિભાગને આદેશો આપ્યા : મુખ્ય પ્રધાન રૂપાણી
- કોરોના સંક્રમણ કાબૂમાં હશે, તો રાજ્ય સરકાર શિવરાત્રિના મેળાને આયોજીત કરવા અંગે વિચાર કરશે
જૂનાગઢ : મુખ્યપ્રધાન વિજય રૂપાણી બુધવારે એક દિવસના જૂનાગઢ જિલ્લાનાં પ્રવાસે હતા. રૂપાણીએ જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં અંદાજિત 300 કરોડ કરતા વધુના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્યનું 9મા નંબરનું સૌથી મોટું શહેર જૂનાગઢ ગટર યોજના બાબતે હજૂ સુધી પાછળ જોવા મળતું હતું. ત્યારે અંદાજિત 300 કરોડ કરતા વધુના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાના કામને રૂપાણીએ મંજૂરી આપી હતી. આ સાથે સાસણ અને દેવળિયા સફારી પાર્કમાં સનસેટ પોઇન્ટ સહિત પ્રવાસન સ્થળ ના બ્યુટીફીકેશન માટે 32 કરોડ કરતા વધુના રકમની ફાળવણી કરી હતી અને આગામી દિવસોમાં સાસણ અને દેવળિયા સફારી પાર્કમાં પણ વિકાસના કામો શરૂ થઈ જશે જેને લઇને પ્રવાસીઓને ખૂબ મોટો ફાયદો થશે.
જૂનાગઢથી લઈને દિવ સુધીના નવા વિકસી રહેલા પર્યટન કોરિડોરમાં ગિરનાર સફારી પાર્ક ખૂબ મોટો ફાળો ભજવશે
આગામી દિવસોમાં સાસણ દેવળિયા અને આંબરડી સફારી પાર્ક જેવી વ્યવસ્થા ગિરનાર સફારી પાર્કમાં પણ અસ્તિત્વમાં આવી રહી છે. સમગ્ર યોજનાને લઇને રાજ્યના વન વિભાગને આદેશો પણ આપી દેવામાં આવ્યા છે. આગામી કેટલાક સમયમાં ગીરનાર ક્ષેત્રમાં સાસણ અને દેવળિયા જેવું સફારી પાર્ક આકાર લઇ શકશે અને જૂનાગઢથી લઈને દિવ સુધીના નવા વિકસી રહેલા પર્યટન કોરિડોરમાં ગિરનાર સફારી પાર્ક ખૂબ મોટો ફાળો ભજવી શકે છે.