જૂનાગઢઃ જિલ્લાના ધાર્મીક સ્થળમાંનું એક ભવનાથની ગીરી તળેટીમાં પ્રાચીનકાળથી આવેલો દામોદર કુંડ આજે અસ્વચ્છ પાણીને લઈને અહીં આવતા ભાવિકોની શ્રદ્ધાને ખૂબ મોટી ઠેસ પહોંચાડી રહ્યું છે, દામોદરકુંડની ગંદકીને લઇને હવે અહીં આવતા ભાવિકોની સંખ્યામાં પણ ખૂબ જ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી શિવરાત્રીનો મેળો પણ હવે ગણતરીના દિવસો બાદ યોજાવા જઇ રહ્યો છે.
દામોદર કુંડ અતિ બિસ્માર હાલતમાં, મેયરની બાહેંધરી : જલ્દી જ થશે કાર્યવાહી
ભવનાથ તળેટીમાં આવેલો દામોદર કુંડ તેના અસ્વચ્છ પાણીને લઇને હવે અહીં આવતા યાત્રિકોને લાગણીને ઠેસ પહોંચાડી રહ્યો છે આગામી શિવરાત્રિના મેળાને બસ હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દામોદર કુંડમાં પાણી સ્વચ્છ અને પવિત્ર બને તે માટે જૂનાગઢ મનપાના મેયરે પ્રતિબદ્ધતા દર્શાવી છે.
યાત્રાધામ વિકાસ બોર્ડ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને મનપા દામોદર કુંડમાં સ્વચ્છ પાણી રહે તેને લઈને વ્યવસ્થા કરે તેવી લોક લાગણી જોવા મળી રહી છે. સમગ્ર મામલાને લઈને જૂનાગઢના મેયર પણ દામોદર કુંડમાં સ્વચ્છ પાણી બની રહે તેવું કરવા ETV BHARATને બાહેધરી આપી હતી.
દામોદર કુંડ અતિ પ્રાચીન અને પૌરાણિક ધાર્મિક માન્યતાઓ ધરાવે છે, નરસિંહ મહેતાના સમયમાં મહેતાજી અહીં દરરોજ અને નિત્યક્રમે સ્નાન કરવા માટે આવતા હતા, તેમજ ભગવાન શ્રી કૃષ્ણએ અહીં પોતાનું પિંડદાન કર્યું હોવાના ધાર્મિક પુરાવાઓ પણ મળી રહ્યા છે, તો બીજી તરફ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અસ્થિ વિસર્જન પણ બાપુની ઈચ્છા મુજબ દામોદર કુંડમાં કરવામાં આવ્યા હતા. જેને લઈને દામોદર કુંડ ભારે ધાર્મિક આસ્થા ધરાવે છે પરંતુ હાલ તેમાં અસ્વચ્છ અને ગંદકી ભર્યું પાણી ધાર્મિક આસ્થાને ખૂબ જ હાનિ પહોંચાડી રહ્યું છે.