જુનાગઢ: અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં પરિવર્તિત થઈને આગળ વધી રહ્યું છે. હાલ વાવાઝોડું સમુદ્રમાં પોરબંદરથી 1000 કિલોમીટર કરતાં વધુ અંતરે સ્થિર થયેલું છે. જેને પગલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ બંદરો પર બે નંબરના ભયસુચક સિગ્નલ લગાવી લોકો તેમજ માછીમારોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
બે નંબરનું ભયસૂચક સિગ્નલ: અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલા વાવાઝોડાને કારણે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ બંદરો પર બે નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સંભવિત વાવાઝોડાને લઈને લોકો અને માછીમારો સાવચેત રહે તે માટે આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં જે ડીપ ડિપ્રેશન સક્રિય હતું તે હવે વાવાઝોડાના રૂપમાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર પોરબંદરના તટિય વિસ્તારથી દરિયામાં એક હજાર કિલોમીટર કરતાં વધુ દૂર વાવાઝોડું સ્થિર થયું છે.
દરિયાનો કરંટ પૂર્વવત: વેરાવળ કોડીનાર સુત્રાપાડા માંગરોળ સહિતના દરિયામાં હાલ કોઈ વિશેષ કરંટ જોવા મળતો નથી. સમુદ્રની સપાટી અને તેમાં મોજા સામાન્ય દિવસોની માફક જોવા મળી રહ્યા છે. પરંતુ આગામી દિવસોમાં જો વાવાઝોડું ગુજરાતના તટીય વિસ્તાર પર આગળ વધતું જોવા મળશે તો દરિયામાં ચોક્કસપણે કરંટ જોવા મળશે. હાલ દરિયાની સ્થિતિ સામાન્ય દિવસો જેવી જોવા મળે છે.