- ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા રદ
- વર્ષોથી કરવામાં આવે છે આયોજન
- રાષ્ટ્રીય ચેમ્પિયને સ્પર્ધા રદ થવાથી દુઃખ વ્યક્ત કર્યુ
- વર્ષે નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે સ્પર્ધામાં ઉતરવાની બતાવી તૈયારી
જૂનાગઢઃ છેલ્લા કેટલાય વર્ષોથી શહેરના ગિરનાર પર્વત પર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હતું. પ્રારંભિક તબક્કે આ સ્પર્ધા માત્ર રાજ્યના સ્પર્ધકો માટે આયોજિત કરવામાં આવતી હતી. પરંતુ ગિરનાર પરિક્ષેત્રમાં પર્વતારોહણને લઈને વિશાળ તકો ઉપલબ્ધ છે. તેને ધ્યાને રાખીને આ સ્પર્ધાને રાષ્ટ્રીય સ્વરૂપ પણ કેટલાક વર્ષોથી આપવામાં આવ્યું હતું. તો ગિરનારમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની બે સ્પર્ધાઓનું આયોજન થતું આવ્યું છે. ત્યારે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને વર્ષ 2021ની રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ રદ કરવામાં આવી છે
રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે યોજાતી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા રદ રાષ્ટ્રીય ચેમ્પિયને વ્યક્ત કર્યુ દુઃખ, આગામી વર્ષે નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે સ્પર્ધા જીતવાની તૈયારી
દર વર્ષે જાન્યુઆરી મહિનાના પ્રથમ રવિવારે રાજ્યસ્તરની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન થતું હતું. તેવી જ રીતે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ રવિવારે રાષ્ટ્રીય કક્ષાની આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાતી આવી છે. ત્યારે વર્ષ 2021ની રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા રદ કરવામાં આવી છે. પાછલા બે વર્ષથી રાષ્ટ્રીય ચેમ્પિયન બનેલા લાલા પરમારે દુઃખ વ્યક્ત કર્યું હતું. પરંતુ કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સરકારનો નિર્ણય સ્પર્ધકોએ પણ આવકાર્યો છે. આવતા વર્ષે નવા રાષ્ટ્રીય રેકોર્ડ કરવાની સાથે સ્પર્ધાને જીતવાની તૈયારી પણ ગત વર્ષના રાષ્ટ્રીય ચેમ્પિયન દર્શાવી રહ્યા છે. આ વર્ષે ભવનાથમાં આયોજિત મોટાભાગના મેળાવડાઓ અને ચઢાવો તબક્કાવાર અને તેના આયોજનના સમયને લઈને ધીમે ધીમે રદ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે યોજાતી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા રદ કરવામાં આવી છે.