જૂનાગઢ મનપાની ચૂંટણી માત્ર 48 કલાકનો સમય બાકી હોવાથી આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસે જાહેર સભાનું આયોજન કર્યું હતું. જેમાં મહિલા મોરચાના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા, ધારાસભ્ય પુંજાભાઇ વંશ, હર્ષદ રીબડીયા, બાબુભાઇ વાજા અને વિમલ ચુડાસમાએ હાજરી આપી હતી, પરંતુ જૂનાગઢના સ્થાનિક ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ જાહેર સભાથી અંતર રાખ્યું હતું.
જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભાગલા, જાહેરસભામાં ધારાસભ્યની ગેરહાજરી - Bhikhabhai joshi
જૂનાગઢઃ શહેરમાં મનપાની ચૂંટણીના મતદાનને હવે માત્ર 48 કલાકનો સમય બાકી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ સહિત જૂનાગઢ જિલ્લાના ધારાસભ્યો હાજર રહ્યા હતા, પરંતુ જૂનાગઢના સ્થાનિક ધારાસભ્ય ભીખાભાઈ જોશીની ગેરહાજરી વર્તાતા ચર્ચાનો વિષય બની હતી.

માહિતી પ્રમાણે, મનપાની ચૂંટણી જાહેર થયા બાદ ટીકીટ વહેંચણીને લઈને કોંગ્રેસ જૂનાગઢ શહેરમાં બે ભાગમાં વહેંચાઇ ગઇ હતી. સ્થાનિક ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને શહેર પ્રમુખ વિનુભાઈ અમીપરાને ટિકિટ ફાળવણીને લઇને જૂનાગઢ આવેલા નિરીક્ષકો અને પ્રદેશના આગેવાનો દ્વારા અવગણના કરવામાં આવી હતી. જેથી ગત્ 6 જુલાઈના રોજ શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી વિનુભાઈ અમીપરાએ કોંગ્રેસના વિરોધમાં રાજીનામું આપી દીધું હતું અને ગઈકાલે ભાજપમાં પણ જોડાઈ ગયા છે. ત્યારે ભીખાભાઈ જોશીને પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને જૂનાગઢના સ્થાનિક નેતાઓ એકલા પાડી રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
મતદાન હવે ગણતરીને સમય બાકી છે ત્યારે કોંગ્રેસનું મોવડી મંડળ બે જૂથો વચ્ચે સમાધાન કરાવવામાં નિષ્ફળ રહ્યું છે તેવુ સ્પષ્ટ પણે કહી શકાય છે. કોંગ્રેસમાં જૂથ અને પદ માટે ચાલી રહેલી લડાઈ આગામી 23મી તારીખે જૂનાગઢ મનપાની મતગણતરી થશે ત્યારે ચોક્કસ બહાર આવશે. રાજકીય સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, પરિણામોમાં કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થઇ શકે છે. ગત્ લોકસભામાં જે પ્રકારે ગુજરાતમાં કોંગ્રેસનો પરાજય થયો હતો તે જ પ્રકારનો પરાજય જૂનાગઢ મનપાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો થશે તે નક્કી છે.