જૂનાગઢઃ કેશોદ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં ખાનગી કામ માટે પણ નગરપાલિકાના JCBનો ઉપયોગ કરવાના બનાવો બનતા આવ્યા છે. તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોવાનું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. આજે નગરપાલિકા JCBનો વાડી વિસ્તારમાં ખાનગી પ્લોટમાં ઉપયોગ થતો હોવાની જાણ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા યુથ કોંગ્રેસ પ્રમુખને થઈ હતી. એ બાબતની તપાસ કરતા વાડી વિસ્તારમાં ખાનગી પ્લોટમાં નગરપાલિકા JCB દ્વારા ગાંડા બાવળો દુર કરવામાં આવી રહ્યા હતા. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાંચાણીએ નગરપાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો
કેશોદ નગરપાલિકાના JCBનો ઉપયોગ ખાનગી પ્લોટમાં થતાં કોંગ્રેસનો વિરોધ
વાડી વિસ્તારમાં ખાનગી પ્લોટમાં સવારથી બપોર સુધી ગાંડા બાવળો દૂર કરવામાં કેશોદ નગરપાલિકાના JCB મશીનનો ઉપયોગ થયો હતો. જેની સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસે આ બાબતે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માગ સાથે નગરપાલીકા પ્રમુખને હોદા પરથી દુર કરવા કોર્ટના દ્વાર ખખડાવવાની યુથ કોંગ્રેસ પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે.
વાડી વિસ્તારમાં ખાનગી પ્લોટમાં નગરપાલિકા JCBના દુરપયોગ બાબતે યુથ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, નગરપાલિકા પ્રમુખના નજીકના વ્યકિતના કહેવાથી સવારના નવથી બપોર સુધી નગરપાલિકાનાં JCB દ્વારા ખાનગી પ્લોટમાં ગાંડા બાવળો દુર કરવામાં આવી રહ્યા હતા. જે બાબતે તંત્રને ટેલીફોનીક જાણ કરતા તંત્ર દ્વારા યોગ્ય જવાબ અપાયો નહતો. આ ઉપરાંત કોઈપણ જાતની જવાબદારી લેવામાથી છટકી જવાનો પ્રયાસ કરાયો હતો. આ મામલે જવાબદારો સામે ફરીયાદ કરી કાયદેસર કાર્યવાહી કરાવવા તથા કોર્ટમાં જવા ઉપરાંત નગરપાલિકા પ્રમુખને હોદા પરથી દુર કરવા જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેકવાર નગરપાલિકાના JCB ખાનગી મિલકતમાં ઉપયોગ કરવામાં આવ્યા છે. જે બાબતે કોઈપણ જવાબદારો સામે પગલા ન લેવાયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે આજની ઘટના બાબતે કોઈ જવાબદારો સામે પગલા લેવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.