જૂનાગઢ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે જૂનાગઢ, સોમનાથ અને રાજકોટ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરીને જુનાગઢ ખાતે સમીક્ષા બેઠક કરી રહ્યા છે. જેમાં અતિવૃષ્ટિ પ્રભાવિત વિસાવદર અને પુર ગ્રસ્ત માણાવદરના સ્થાનિક ધારાસભ્યને બેઠકમાં આવવાને લઈને કોઈપણ પ્રકારની સૂચના કે દિશા નિર્દેશો મળ્યા ન હતા. માણાવદર અને વિસાવદર વિધાનસભાના સ્થાનિક ધારાસભ્યને વિસ્તારની સમસ્યા અને લોક પ્રશ્નોને રજૂઆત માટે આવવા માટેની કોઈ સૂચના નહીં મળતા બંને ધારાસભ્યો અરવિંદ લાડાણી અને ભુપત ભાયાણીએ રોષ વ્યક્ત કર્યો છે.
રીવ્યુ બેઠક મહત્વની:રાજ્યના મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ તેમજ અગ્ર મહેસૂલ સચિવ આજે જ્યારે પુર અસરગ્રસ્ત વિસ્તારની સાથે અતિવૃષ્ટિ ગ્રસ્ત જુનાગઢ સોમનાથ અને રાજકોટ જિલ્લાના વિસ્તારોનુ હવાઈ નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા. આ બેઠકને સમગ્ર વિસ્તાર અને ત્રણેય જિલ્લાઓ માટે ખૂબ મહત્વની માનવામાં આવતી હતી. આવી મહત્વની બેઠકમાં પુર અસરગ્રસ્ત ઘેડ વિસ્તારનું લોકપ્રતિ પ્રતિનિધિત્વ કરનાર માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જૂનાગઢ જિલ્લાના અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસાવદર વિસ્તારનુ પ્રતિનિધિ કરનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપત ભાયાણીને બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા. જેને કારણે આ વિસ્તારની સ્થાનિક ધારાસભ્ય મુખ્યમંત્રીની સાથે રાજ્યના ઉચ્ચ અધિકારી સમક્ષ રાખી શક્યા ન હતા.