ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે ગોકુળ આઠમ અને જન્માષ્ટમી પર્વે ભવનાથની ગિરિ તળેટીમાં ઉત્સવનો માહોલ - ભવનાથ ગીરી તળેટી

આજે ગોકુળ આઠમ અને જન્માષ્ટમીનો તહેવાર ધાર્મિક આસ્થા સાથે પરંતુ કોરોના વાઇરસમાં સાવચેતી પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ભવનાથની ગિરિ તળેટીમાં આવેલા રાધા દામોદરજી મંદિરમાં કાળીયા ઠાકોરના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતાં.

Junagadh News
Junagadh News

By

Published : Aug 12, 2020, 2:18 PM IST

જૂનાગઢઃ આજે ગોકુળ આઠમ એટલે કે, જન્માષ્ટમીનો તહેવાર ભારે ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે જૂનાગઢમાં ઉજવવામાં આવી રહ્યો છે. ભવનાથની તળેટીમાં આવેલા રાધા દામોદરજી મંદિરમાં ભગવાન કાળીયા ઠાકોરને આજે દિવસ દરમિયાન વિવિધ શણગાર રાજભોગ અને પૂજા સાથે કૃષ્ણ ભક્તો જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરશે.

આજે ગોકુળ આઠમનો તહેવાર કોરોના વાયરસ ની વચ્ચે સાવચેતીપૂર્વક ઉજવાઈ રહ્યો છે
● ભવનાથની ગીરી તળેટીમાં આવેલા રાધા દામોદરજીના મંદિરમાં કાળીયા ઠાકરને કરાયો વિશેષ શણગાર
● રાત્રીના 12 કલાકે રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના પૃથ્વી પર અવતરણ ને ભક્તો ધાર્મિક શ્રદ્ધા સાથે વધાવશે
● કોરોના વાઈરસના સંક્રમણને કારણે તમામ ધાર્મિક કાર્યક્રમો કરાયા રદ, માત્ર પૂજારીની હાજરીમાં કૃષ્ણ જન્મોત્સવ વિધિ સંપન્ન કરાશે

આજે ગોકુળ આઠમ અને જન્માષ્ટમીના પાવન પર્વે ભવનાથની ગિરિ તળેટીમાં ઉત્સવ

ભવનાથની ગિરિ તળેટીમાં આવેલા અને દામોદર કુંડ સમીપે પ્રસ્થાપિત રાધા દામોદરજી મંદિરમાં ભગવાન કાળીયા ઠાકરના આજે વધામણા કરવામાં આવશે. આજે (બુધવાર) સમગ્ર દિવસ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ શણગાર રાજભોગ અને વિશેષ પૂજાનું આયોજન સમગ્ર દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે. જેનો લાભ લઈને કાળીયા ઠાકરના ભક્તો પોતાની જાતને ધન્ય બનાવી રહ્યાં છે. કોરોના વાઈરસના વધી રહેલા સંક્રમણને કારણે આજે તમામ પ્રકારના જાહેર ધાર્મિક કાર્યક્રમો રદ્ કરવામાં આવ્યા છે. આજે દિવસ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે આવતા દરેક ભક્તોએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરીને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

દરેક દર્શનાર્થીએ મંદિર પરિસરમાં માસ્ક ફરજિયાત પહેરીને પ્રવેશ કરવો તેવું પણ મંદિર પ્રશાસન દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે, ત્યારે આજના દિવસે ભક્તો ભગવાન કાળીયા ઠાકરના દર્શન કરીને પોતાની જાતને ધન્ય બનાવી રહ્યાં છે. મોડી રાત્રીના સમયે રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના પૃથ્વી પર સદેહે અવતરણ પ્રસંગે મંદિર પરિસરમાં માત્ર પૂજારીની હાજરીની વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણના અવતરણને વધાવવામાં આવશે. આ પ્રસંગે મંદિર પરિસરમાં તમામ ભક્તો માટે પ્રવેશ નિષેધ બનાવવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details