જુનાગઢ :સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના કિસ્સાઓ પ્રતિદિન પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે વેરાવળના હુડકો વિસ્તારમાં આવેલા એક મકાનના રસોડામાં ઝેરી કોબ્રા સાપ ઘુસી ગયો હતો. રસોડામાં છુપાઈને બેઠેલા ઝેરી કોબ્રા સાપનું વેરાવળના સ્થાનિક સાપ પકડનાર રાજુ સોલંકીએ રેસ્ક્યુ કર્યું હતું. ખૂબ જ ઝેરી કોબ્રા સાપને બે કલાક કરતા વધુની જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, રાજુ સોલંકીને વન વિભાગ દ્વારા સાપ પકડવા માટે પ્રમાણિત કર્યા છે. આ વિસ્તારમાં તેઓ એકમાત્ર સાપને રેસ્ક્યુ કરનાર છે.
સાપ નીકળવાના કિસ્સા વધ્યા :સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના કિસ્સાઓ સૌથી વધુ પ્રકાશમાં આવતા હોય છે. સાપ મુખ્યત્વે જમીનમાં દર બનાવીને રહેતા હોય છે. જેથી ચોમાસામાં વરસાદી પાણીને કારણે બહાર નીકળે છે. કેટલાક કિસ્સાઓમાં સાપ રહેણાંક વિસ્તારોમાં પણ આવી ચડે છે. સૌરાષ્ટ્રમાં અનેક ઝેરી અને બિનઝેરી સાપ જોવા મળે છે. પરંતુ આ વિસ્તારમાં કોબ્રા, વાઈપર અને ક્રેઈટ નામના ખૂબ જ ઝેરી સાપ પણ જોવા મળે છે. પાછલા 2 મહિના દરમિયાન વેરાવળ અને આસપાસના પંથકમાંથી 500 જેટલા ઝેરી અને બિનઝેરી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જે પૈકીના 200 કરતાં વધુ સાપ ઝેરી હોવાનું રાજુ સોલંકીએ જણાવ્યું છે. હાલમાં સામાન્ય દિવસો કરતા ડબલ સંખ્યામાં પ્રતિદિન પાંચ કરતાં વધુ સાપ નીકળે છે.