ભાજપમાં જોડાઈ જવાની માનસિકતા ઘાતક જૂનાગઢઃ ગુજરાત રાજકારણમાં અત્યારે ધારાસભ્યોના પક્ષાંતરની ઋતુ જામી છે. ગઈકાલે કૉંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ખંભાત બેઠક પરથી રાજીનામુ આપ્યું, થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપત ભાયાણીએ વિસાવદર બેઠક પરથી રાજીનામુ આપ્યું છે. આ શ્રેણીમાં હર્ષદ રીબડીયાનો પણ સમાવેશ થાય છે.
સુનિયોજિત ઓપરેશનઃ ભાજપ સિવાયના પક્ષોમાંથી ધારાસભ્યો રાજીનામા આપે અને પછી ભાજપમાં જોડાય તે કોઈ સંયોગ નથી પણ એક સુનિયોજિત ઓપરેશન છે. આ ઓપરેશન ભાજપના ડૉ. ભરત બોધરા પાર પાડી રહ્યા હોવાની શક્યતાઓ પ્રબળ બનતી જાય છે. ભાજપ સંગઠનમાં પ્રભાવ ધરાવતા પ્રદીપ સિંહ વાઘેલાનું સ્થાન હવે બોધરાને લેવું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
ડૉ. ભરત બોધરાની સૂચક હાજરીઃ ભાજપ સિવાયના પક્ષોના ધારાસભ્યો રાજીનામું આપે ત્યારે ભરત બોધરાની સૂચક હાજરી જોવા મળી હતી. તાજેતરમાં કૉંગ્રેસ અને આપના ધારાસભ્યોએ વિધાનસભામાં અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું ત્યારે અધ્યક્ષની ઓફિસમાં ભાજપના ભરત બોધરાની સૂચક હાજરી જોવા મળી હતી. ભરત બોધરાની આ હાજરી ઘણું બધું કહી જાય છે. જેની નોંધ માત્ર નિષ્ણાતો જ નહિ પરંતુ સામાન્ય જનતા(મતદારો) પણ લઈ રહ્યા છે.
કોણ છે ડૉ. ભરત બોધરા?: ભાજપ સિવાયના પક્ષોના ધારાસભ્યોની માનસિકતાનું ઓપરેશન કરનાર ભરત બોધરા મૂળ કૉંગ્રેસી છે. જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાના પીએ તરીકે ડૉ. ભરત બોધરાએ રાજકીય સફર શરુ કરી હતી. થોડા વર્ષો બાદ કુંવરજી બાવળિયાનો વિરોધ કરીને તેમની સામે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. જો કે આ ચૂંટણીમાં બાવળિયા સામે જ તેમનો પરાજય થયો હતો. હવે કુંવરજી બાવળિયા જ ભાજપમાં જોડાઈ જતા ભરત બોધરાનું ભાજપ સંગઠનમાં કદ વધ્યું છે. તેમને મહત્વની જવાબદારીઓ પણ સોંપાય છે.
પાટીદાર રાજકારણઃ રાજકીય નિષ્ણાતો અને વિશ્લેષકોના મતે ભાજપ મુખ્યત્વે પાટીદાર ધારાસભ્યોને રડારમાં રાખે છે. વિરોધ પક્ષમાં રહેલા પાટીદાર ધારાસભ્યોની માનસિકતાનું ઓપરેશન કરીને તેમને ભાજપમાં ભેળવવામાં ભાજપને બહુ રસ છે. જો કે ભાજપની આ માનસિકતાથી ભાજપના સંનિષ્ઠ અને પાયાના કાર્યકરો નારાજ છે. ભાજપમાં જ મૂળ ભાજપના અને આયાતી ઉમેદવારો એવા બે ગ્રૂપોની હાજરી સ્પષ્ટ જોવા મળે છે. અત્યાર સુધીમાં 60થી વધુ ધારાસભ્યો, સાંસદો અને અગ્રણીઓ ભાજપમાં ભળી ગયા છે. ભાજપનો ખેસ પહેરી લેનારા આ પાર્ટી બદલુઓમાં મુખ્યત્વે કૉંગ્રેસીઓનો સમાવેશ થાય છે.
જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મોટાભાગે નેતાઓ પાટીદાર સમાજમાંથી આવે છે. આ પરિસ્થિતિમાં પાટીદાર ધારાસભ્યોના પ્રભાવ હેઠળ પાટીદાર નેતાઓ રાજીનામું આપીને ભાજપમાં ભળતા રહેશે તો આગામી સમયમાં પાટીદાર સિવાયના ઓબીસી સમાજના લોકો એક થઈ જશે અને પાટીદાર ઉમેદવારને ચૂંટણી જીતવી ભારે પડી શકે તેમ છે. આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો પાટીદાર ધારાસભ્યોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ થઈ જશે...વિજય પીપરોતર(વરિષ્ઠ પત્રકાર, જૂનાગઢ)
- આપના ધારાસભ્યો બાબતે કોઇ પણ અફવા પર ધ્યાન ન આપવા ઇસુદાન ગઢવીનો અનુરોધ, ભાજપને આડે હાથ લીધો
- રાજકીય નૈતિક મૂલ્યોનું અધઃપતનનું આદર્શ ઉદાહરણ એટલે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી