જૂનાગઢ: સોમનાથ, વૈજનાથ, પશુપતિનાથ, ભુતનાથ, ભવનાથ, માંગનાથ, બિલનાથ, કાશી, વિશ્વનાથ આ બધા નામો દેશમાં આવેલા શિવાલયોના છે, પરંતુ આજે આપને અમે એક એવા નાથ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેનું નામ સાંભળીને પ્રથમ આપને આંચકો જરૂર લાગશે. જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક શાપુર ગામમાં ભગવાન ભયંકરનાથ 500 કરતા વધુ વર્ષોથી બિરાજી રહ્યાં છે.
આજે છેલ્લો શ્રાવણીયો સોમવાર, જૂનાગઢ નજીક બિરાજતા ભયંકરનાથ મહાદેવના કરો દર્શન - news in junagadh
જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક શાપુર ગામમા પાંડવો દ્વારા સ્થાપવામાં આવેલું ભયંકરનાથ મહાદેવનું મંદિર શિવ ભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. પ્રાચીન સમયમાં અતિ દુર્ગમ વિસ્તારમાં પાંડવો દ્વારા મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારથી આ મહાદેવ ભયંકર નાથ મહાદેવ તરીકે આજે પણ તેમના ભક્તજનોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બની રહ્યાં છે.
ભયંકરનાથ નામ સાંભળીને નવાઇ ચોક્કસ લાગે પણ આ ભયંકરનાથ આજે પણ અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રી સિવાય પણ સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભગવાન ભયંકરના ભક્તો અહીં શીશ ઝુકાવીને મહાદેવની કૃપા પ્રાપ્ત કરતા હોય છે. ભયંકરનાથ મહાદેવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર સદીઓ પહેલા પાંડવો વનવાસ દરમિયાન વિચરણ કરી રહ્યાં હતાં, ત્યારે આ શિવલિંગની સ્થાપના થઇ હોવાનું માનવામાં આવે છે. જે તે સમયે પાંડવો દ્વારા આ શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું હતું, ત્યારે આ જગ્યા અતિ વિરાન અને ગીચ જંગલની વચ્ચે જોવા મળતી હતી. જેને કારણે લોકો ધોળા દિવસે પણ અહીં આવતા ભયના માર્યા થરથરતા હતા, તેને કારણે જ મહાદેવનું નામ ભયંકરનાથ મહાદેવ રાખવામાં આવ્યું હોવાના પુરાવા આજે પણ જોવા મળી રહ્યાં છે.
ભયંકરનાથ મહાદેવની જગ્યાનો વિકાસ ધીમેધીમે શરૂ થયો અને આજે શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ભગવાન ભોળાનાથના ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. ભયંકરનાથ મહાદેવ એક એવું શિવાલય છે કે, અહીં આરતીના સમયને બાદ કરતાં કોઇપણ મહિલા અને પુરુષ શિવ ભક્તો પોતાની મનોકામના મુજબ ભગવાન ભયંકરનાથને અભિષેક કરી શકે છે. જે આ શિવાલયની આજે પણ વિશેષતા છે. મોટાભાગના શિવાલયોમાં પંડિતો દ્વારા જ અભિષેક કરવામાં આવતો હોય છે, ત્યારે આ મંદિરમાં સૌ કોઈને અભિષેક કરવાની વિશેષ તક મળે છે. જેને કારણે ભયંકરનાથ મહાદેવ તેમના ભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બની રહ્યાં છે.