જૂનાગઢઃ કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. સૌથી વધારે કફોડી હાલત એવા લોકોની બની છે જે રોજનું કમાઈને રોજ ખાતા હતા. આવા ગરીબ પરિવારોની ચિંતા કરીને દત્ત અને દાતારની ભૂમિ એવા જૂનાગઢમાં આવેલા ભારતી આશ્રમે ગરીબ પરિવારોનો ઘરનો ચૂલો સળગતો રહે તે માટે ભવનાથ વિસ્તારના 500 જેટલા પરીવારોને રાહત સામગ્રીનું વિતરણ કરી સેવાની સુવાસ ફેલાવી છે.
આ જ ખરો ધર્મઃ ધાર્મિક સંસ્થાઓ મદદ માટે આવી આગળ, ભવનાથમાં અનાજની કીટનું વિતરણ - જૂનાગઢમાં કોરોનાની અસર
હાલ સમગ્ર દેશ કોરોનાની મહામારીના સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. ત્યારે દત્ત અને દાતારની ભૂમિ એવા જૂનાગઢના ભારતી આશ્રમે ગરીબોની ચિંતા કરી છે. સંકટની ઘડીમાં ગરીબને રોટલો મળી રહે તે માટે અનાજની કીટનું વિતરણ કર્યું હતું.
ભારતી આશ્રમ કુદરતી હોનારતના સમયમાં ખાસ કરીને ગરીબ પરિવારોની સતત ચિંતા કરે છે. કોરોનાની વૈશ્વિક મહામારી ભારતમાં પણ પ્રવેશી ચૂકી છે. ત્યારે જૂનાગઢમાં રહેતા ગરીબ પરિવારોની હાલત કેવી દયનીય હશે તેની ચિંતા ભારતી આશ્રમે કરી છે. આશ્રમ દ્વારા 500 જેટલા ઘરોમાં અનાજની કીટનું વિતરણ કરવાનું અભિયાન શરૂ કરાયું છે.
તમામ પરિવારોને ત્રણ કિલો બટાકા, ચાર કિલો ચોખા, દોઢ કિલો તેલ અને બાળકો માટે બિસ્કીટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કીટ દરેક પરિવારને બે દિવસ સુધી ચાલશે. કીટ વિતરણ કરતી વખતે ભારતી આશ્રમના સંતો તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિત મનપાના અધિકારીઓએ પણ હાજરી આપી હતી.