જૂનાગઢ પંથકમાં પાકતી કેસર કેરી આ વર્ષે ગત વર્ષની સરખામણીએ થોડી ઓછી ઉતરશે. જ્યાં સુધી વાત કેરીના સ્વાદની છે તો, કેરીના રસિકો માટે સ્વાદ માણવા માટે કેરીનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહેશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે.
આગામી અઠવાડિયામાં તાલાળાની કેસર કેરીનું બજારમાં આગમન - kesar keri
જૂનાગઢઃ ગીરની પ્રખ્યાત કેસર કેરીએ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવી કેરીના રસીયાઓના દિલમાં સ્થાન મેળવ્યુ છે. તેથી ઉનાળાની સીઝન આવતા જ કેરીના રસીકો તેના વાટે બેઠા હોય છે. ત્યારે ગીરની પ્રખ્યાત કેસર કેરીના રસિકો માટે એક સારા સમાચાર છે. આગામી એક અઠવાડિયા બાદ જૂનાગઢની શાન ગણાતી કેસર કેરીનું બજારમાં આગમન થઈ રહ્યુ છે. જો કે, આ વર્ષે કેરીના રસિકોને કેરીનો સ્વાદ થોડો મોંઘો પડવાની શક્યતાઓ છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીના પાકમાં થોડો ઘટાડો જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. વર્ષો-વર્ષ વાતાવરણમાં આવતો પલટો, કમોસમી વરસાદ અને ઠંડી અને ગરમીનું પ્રમાણ વધઘટ થતું રહેતા કેરીના ઉત્પાદન અને તેના કદ પર મોટા પ્રમાણમાં વિપરીત અસરો જોવા મળતી હોય છે. ગત વર્ષે કેરીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું હતું. તાલાળા માર્કેટીંગ યાર્ડમાં પણ છેલ્લા 20 વર્ષના ઇતિહાસમાં જે કેરીના બોક્સની આવક થઇ હતી, તે ગત વર્ષે સર્વોચ્ચ જોવા મળી હતી, પરંતુ આ વર્ષે વાતાવરણની અનિશ્ચિતતા અને ઠંડી-ગરમીના પ્રમાણમાં વધઘટ રહેવાને કારણે આંબામા મોર બંધાવાની પ્રક્રિયામાં થોડો વિક્ષેપ પડ્યો છે. જેથી કેરીનું બંધારણ અને તેનું કદ ગત વર્ષની સરખામણીમાં થોડું નાનું જોવા મળશે.
ગતત વર્ષે પ્રતિ 20 કિલો કેરીના ભાવ ઉંચામા ઉંચા 1200 રૂપિયા અને નીચામાં નીચા 400 રૂપિયા સુધીના ભાવ હતા. શરૂઆતના દિવસોથી લઈને કેરીની સીઝન પૂર્ણ થયા સુધી આ ભાવો જળવાઈ રહ્યા હતા. મતલબ કે, સારી કેરીના બજાર ભાવ એકસરખા, તો મધ્યમ અને નબળી કેરીના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. જ્યારે આ વર્ષે પ્રતિ 20 કિલોના કેરીના બજારભાવ સારાથી લઈ અને મધ્યમ અને ઉચ્ચ કેરીના એકસરખા જળવાઈ રહે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.