જૂનાગઢઃ કોવિડ કેર સેન્ટર અને ત્યાં મળતી તમામ સારવારને લઈને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ જે ગુલાબી ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું, તેની પોલ શનિવારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરના એક વીડિયોએ ખોલી છે.
જૂનાગઢ કોવિડ કેર સેન્ટરમાં દર્દી પથારી નજીક કુદરતી હાજતે જતો હોય તેવો વીડિયો થયો વાયરલ - Civil Hospital in Junagadh
સરકારના દાવાની પોલ ખોલતા જૂનાગઢ કોવિડ કેર સેન્ટરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરના આઇસોલેશન વોર્ડનો ખૂબ જ ચિંતાજનક વીડિયો બહાર આવ્યો છે. સરકારના તમામ દાવાઓની પોલ ખોલતા આ વીડિયોમાં કોરોના સંક્રમિત દર્દી પોતાના બેડની નજીક જ કુદરતી હાજત કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
આ વીડિયોમાં કોરોના પોઝિટિવ દર્દી પોતાના બેડ પાસે જ કુદરતી હાજતે બેઠા હોય તે પ્રકારના દ્રશ્યો ચિંતા ઉપજાવે તેવા છે. સમગ્ર મામલાને લઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના અધિક્ષકનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી.
આ વાયરલ વીડિયો અંગે ETV BHARAT કોઈપણ પ્રકારની પુષ્ટી કરતું નથી, પરંતુ જે દાવાઓ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ કરી રહ્યો છે, તેનાથી બિલકુલ વિપરીત અને ખૂબ જ ચિંતા ઊભી કરે તે પ્રકારના દ્રશ્ય આ વાયરલ બની રહેલા વીડિયોમાં સામે આવી રહ્યા છે.