ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ: અક્ષયનાથ મહાદેવ મંદિર બન્યું ભક્તોની આસ્થાનું કેન્દ્ર, જાણો કારણ... - અક્ષયગઢ મહાદેવ મંદિરનો ઈતિહાસ

જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક આવેલા અક્ષયગઢમાં અક્ષયનાથ મહાદેવ બિરાજી રહ્યા છે. આ મંદિર આંતરરાષ્ટ્રીય ઘટનાઓમાં સામેલ થયેલું જોવા મળે છે. વિશ્વના 3 મંદિરો પૈકી આ મંદિર સ્થળાંતર થઇને કેશોદમાં પુનઃસ્થાપન થયેલું છે.

ETV BHARAT
અક્ષયગઢ મહાદેવ મંદિર બન્યું ભક્તોની આસ્થાનું કેન્દ્ર

By

Published : Oct 31, 2020, 9:49 PM IST

Updated : Oct 31, 2020, 10:44 PM IST

  • અક્ષયનાથ મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું
  • સમગ્ર વિશ્વમાં સ્થળાંતરિત કરીને પુનઃસ્થાપન કરવામાં આવેલા 3 મંદિરોમાં અક્ષયગઢનો થયો સમાવેશ
  • સુરેન્દ્રનગરના રાજસીતાપુરથી કેશોદના અક્ષયગઢમાં કરાયું મંદિરનું પુનઃસ્થાપન

જૂનાગઢઃ જિલ્લાના કેશોદ નજીક આવેલા અક્ષય ગઢમાં સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં આજથી 200 વર્ષ પહેલા નિર્માણ પામેલા મંદિરને સ્થળાંતર કરીને અહીં પુનઃ સ્થાપન કર્યા બાદ મંદિરમાં અક્ષયનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિર ભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર ધરાવે છે. અહીં દર વર્ષે શરદ પૂનમના દિવસે 3 દિવસના લોકમેળાનું આયોજન થતું આવ્યું છે. જે વર્ષ 1982થી સતત જોવા મળતું હતું, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને ટ્રસ્ટી મંડળે મેળાનું આયોજન રદ કરવાનો નિર્ણય કર્યો છે.

મંદિર વર્ષ 1982થી દર્શનાર્થીઓ માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું

આજથી 200 વર્ષ પહેલા ધાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં આવેલા તળાવ નજીક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં કોઈ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી નહોતી. જેને લઇને આ મંદિર પડતર હાલતમાં જોવા મળતુ હતું. ત્યારે જૂનાગઢના અગ્રણી રતુભાઇ અદાણી દ્વારા આ મંદિરને ત્યાંથી સ્થળાંતર કરીને અક્ષયગઢમાં પુનઃ સ્થાપન કર્યું હતું. ત્યારથી અહીં અક્ષયનાથ મહાદેવના રૂપમાં મંદિરની પૂજા થઈ રહી છે. મંદિરને રાજસીતાપુરથી સ્થળાંતર કર્યા બાદ 3 વર્ષ સુધી મંદિરના પુન:નિર્માણનું કામ ચાલ્યું હતું. આ મંદિરની પ્રત્યેક શીલાને નંબર આપીને રાજસીતાપુરથી કેશોદના અક્ષયગઢ સુધી સ્થળાંતર કરવામાં આવી હતી અને 3 વર્ષની મહેનત બાદ અંતે મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. વર્ષ 1981માં પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ 1982થી મંદિર દર્શનાર્થીઓ માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું.

અક્ષયગઢ મહાદેવ મંદિર બન્યું ભક્તોની આસ્થાનું કેન્દ્ર

સુરેન્દ્રનગરના રાજસીતાપુર ગામનું મંદિર અક્ષયગઢમાં સ્થળાંતર કરાયું

સમગ્ર વિશ્વમાં કોઈ મંદિરને સ્થળાંતરિત કરીને અન્ય જગ્યા પર પુનઃસ્થાપન કર્યું હોય તેવા માત્ર 3 ઘટનાઓ બની છે. ઈજિપ્તની નાઈલ નદી પર આસ્વાન બંધ બાંધવાનો નક્કી કરવામાં આવ્યું હતું, ત્યારે બંધનું નિર્માણ કરવાનું હતું ત્યાં એક પૌરાણિક મંદિર જોવા મળતુ હતું. જેને મહાકાય ક્રેનો મારફતે ઇજિપ્તના અન્ય પ્રદેશોમાં ખસેડવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ જગ્યા પર નાઇલ નદીના પટમાં આસ્વાન બંધનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. ત્યારબાદ ગોદાવરી જિલ્લાના વિસ્તારમાં નાગાર્જુન સાગર બંધના નિર્માણ સમયે નાગાર્જુનના જે અવશેષો હતા, તે અન્ય જગ્યાએ ખસેડવાની સરકાર દ્વારા સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરીને અર્જુન સાગર બંધનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે બાદ સુરેન્દ્રનગરના રાજસીતાપુર ગામમાં બાંધવામાં આવેલું મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિના જોવા મળતું હતું, જેને ત્યાંથી ખસેડીને જૂનાગઢ જિલ્લાના કેશોદના અક્ષયગઢમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.

Last Updated : Oct 31, 2020, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details