જૂનાગઢ :રાજકારણના અજાત શત્રુ સૂર્યકાંત આચાર્ય જનસંઘના સમયથી જૂનાગઢ શહેરની સાથે આદિવાસી સમાજના ઉત્થાન માટે સતત કામ કરતા આવ્યા છે. સૂર્યકાંત આચાર્યને આજે પણ જૂનાગઢની જનતા યાદ કરે છે. જનસંઘના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં પરાજય થયા બાદ પણ સૂર્યકાંત આચાર્યનું સરઘસ વિજેતા ઉમેદવારના ઠાઠ સાથે જૂનાગઢમાં નીકળ્યું હતું, જે તેમની લોકચાહનાને પ્રદર્શિત કરતું હતું.
રાજકારણના અજાતશત્રુ :જૂનાગઢના રાજકારણમાં જનસંઘના એક કાર્યકર સૂર્યકાંત આચાર્યનું નામ આજે પણ જૂનાગઢની જનતા ખૂબ જ આદર સાથે લઈ રહી છે. જનસંઘથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર સૂર્યકાંત આચાર્યએ જૂનાગઢની આઝાદીની સાથે ગુજરાતના આદિવાસી શિક્ષિત બને અને રોજગારી મેળવતા થાય તેને લઈને ખૂબ મોટું કામ કર્યું છે. સૂર્યકાંત આચાર્ય જ્યારે બીમાર હતા તે સમયે તેમના ખબર અંતર પૂછવા માટે આવેલા રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પણ સૂર્યકાંત ભાઈની નિષ્ઠાથી ખૂબ જ પ્રભાવિત હતા. જૂનાગઢ આવેલા નરેન્દ્ર મોદીએ ત્યારે તેમના શબ્દોમાં સૂર્યકાંતભાઈ વિશે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, સૂર્યકાંતભાઈ અત્યારે વાત કરે તો મને એક જ સવાલ પૂછશે કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની વિકાસની યોજના ક્યાં પહોંચી ? સૂર્યકાંત આચાર્ય આજે પણ તેમની બિન હયાતીમાં આટલું મોટું કદ ધરાવે છે.
આને કહેવાય લોકચાહના :આઝાદી બાદ સમગ્ર દેશમાં કોંગ્રેસનો દબદબો અને એકચક્રી શાસન જોવા મળતું હતું. આવા સમયમાં વર્ષ 1967 માં રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ સામે જનસંઘના ઉમેદવાર તરીકે સૂર્યકાંત આચાર્યએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. પરિણામના દિવસે સૂર્યકાંત આચાર્યનો 100 મતે પરાજય થયો હતો. જૂનાગઢના લોકો સૂર્યકાંત ભાઈની હાર ન થઈ શકે તે વાતને લઈને મત ગણતરી સેન્ટર પર આંદોલન પર ઉતાર્યા અને ફરીથી મત ગણતરી કરવામાં આવી હતી. જોકે અંતે સૂર્યકાંત આચાર્ય 100 મતથી જૂનાગઢ વિધાનસભા બેઠક પરથી પરાજિત થયા હતા. સામાન્ય રીતે વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ નીકળવું જોઈએ પરંતુ તેની જગ્યા પર હારેલા ઉમેદવાર સૂર્યકાંત આચાર્યનું સરઘસ જૂનાગઢ શહેરમાં નીકળ્યું હતું. જે તે સમયે તેમના આ વ્યક્તિગતના દબદબાનો પુરાવો છે.