આજે ફ્રેન્ડશીપ ડે પર એક એવા મિત્રની વાત કરીએ જેની દોસ્તી સૌથી અનોખી છે
આજે ફ્રેન્ડશિપ ડે છે, ત્યારે આજના દિવસે વહાલા મિત્રો એકબીજાને શુભેચ્છા આપી રહ્યા છે. આજે એક એવા મિત્રની વાત કરવી છે, જેની દોસ્તી સૌથી અનોખી છે. જૂનાગઢના કેશોદમાં રહેતા હરસુખભાઇ ડોબરીયા અને તેના પરિવારને પક્ષીઓ સાથે એવી તો દોસ્તી છે કે, તેને એકબીજા વગર ચાલતું જ નથી, તો જોઈએ પક્ષીઓ અને હરસુખભાઇની અનોખી દોસ્તીની અનોખી દાસ્તાન...
જૂનાગઢ: મિત્રતા તો તમે ઘણી જોઈ હશે, પરંતુ જૂનાગઢ કેશોદના હરસુખભાઇ ડોબરીયા પક્ષીઓ સાથેની મિત્રતા જેવી તમે ક્યાંય નહીં જોઈ હોય. તમને જાણીને આનંદ થશે કે, હરસુખભાઇ ડોબરીયા છેલ્લા 20 વર્ષથી આ રીતે પક્ષીઓને ભોજન પૂરું પાડે છે. તેમજ પક્ષીઓ પણ નિયમત રીતે હરસુખભાઇના ઘેર પહોંચી જાય છે. હરસુખભાઇ એક ખેડૂત છે અને પોતાના ઘરે જ છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે. તેમાં દરરોજ સવાર સાંજ બાજરીના ડૂંડા અને મગફળીના દાણા તેમજ જુવારની ચણ નાખે છે અને અને પછી એક બે બક્ષીઓ નહીં પરંતુ ત્રણ હજાર જેટલા પક્ષીઓ આવે છે. પક્ષીઓમાં સૌથી વધુ પોપટ, સુગરી, દેશી ચકલી, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ કોઈ પણ પ્રકારના ભય વગર ભોજન આરોગે છે અને પછી પોતાના માળામાં ચાલ્યા જાય છે.