જૂનાગઢ: ઇ.સ. 5000 વર્ષ પૂર્વે કંસના પિતા અને હિન્દુ ચક્રવર્તી રાજા ઉગ્રસેન દ્વારા આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેવા ઇતિહાસના પન્નાઓ પરથી પુરાવાઓ મળી રહ્યા છે. આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે બનાવવામાં આવેલા કિલ્લામાં જે તે સમયે જૂનાગઢ નગર વસાવવામાં આવ્યું હતું. આ કિલ્લાને પહાડની ટેકરી પર બનાવવામાં આવ્યો છે. જેને લઇને ઉપરકોટના કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવી રહ્યો છે. પ્રાચીન સમયમાં ઉપરકોટના કિલ્લાને રૈવત નગરી તરીકે પણ ઓળખવામાં આવતો હતો.
આપને યાદ અપાવી દઇએ કે, ગિરનારને રૈવત પર્વત તરીકે પ્રાચીન સમયમાં ઓળખવામાં આવતો હતો, ત્યારે આ કિલ્લાને ગિરનારની પર્વતમાળા ઉપર બનાવવામાં આવ્યો છે. જેને કારણે તેના પરથી આ કિલ્લાને રૈવત નગરી એવું નામ આપવામાં આવ્યું હતું. પ્રાચીન સમયમાં બનાવવામાં આવેલા આ કિલ્લામાં હિન્દુ અને મુસ્લિમ રાજાઓએ અનેક વખત ચડાઈ કરી છે. તેમ છતાં આ કિલ્લાની એક પણ કાંકરીને હટી નહોતી અને આ માટે તમામ હુમલોકરનારા નિષ્ફળ ગયાં હતાં. આ કિલ્લામાં પ્રસિદ્ધ રાણકદેવીનો મહેલ આજે પણ હયાત જોવા મળે છે. જેની ભવ્યતા આજે જોઈને એટલું કહી શકાય રાણકદેવીનો મહેલ પાંચસો વર્ષ પૂર્વે કેટલો દિવ્ય લાગતો હશે.
વળી, આ કિલ્લામાં બૌદ્ધ ધર્મને પ્રાધાન્ય આપતી બૌદ્ધ ગુફાઓ પણ જોવા મળી રહી છે. જે બતાવી આપે છે કે, આ કિલ્લો બૌદ્ધ ધર્મના સ્થાપન પહેલા બનાવવામાં આવ્યો હશે. અડી-કડી વાવ અને નવઘણ કૂવો એના વિશે આજે પણ કહેવાય છે કે, 'જેણે નથી જોઈ અડી-કડી વાવ અને નવઘણ કૂવો તે જીવતો મુવો.' આ કિલ્લામાં પોર્ટુગીઝ સમયમાં દીવમાં રાખવામાં આવેલી માણેક અને નીલમ તોપ પણ જોવા મળે છે. વળી જે તે સમયે જૂનાગઢના રાજાઓ દ્વારા તેમનું સૈન્ય અને નગરજનો માટે પીવાનું પાણી અને અનાજ કોઈ પણ પરિસ્થિતિમાં પૂરું પાડી શકાય તે માટેના કોઠારો પણ બનાવ્યાં છે. જે આજે પણ જોઇ શકાય છે.
ઈ.સ. 5000 વર્ષ પૂર્વે બનાવવામાં આવેલો આ કિલ્લો અને તેનું સ્થાપત્ય આજે અડીખમ જોવા મળે છે, પરંતુ સમયની માર અને જવાબદાર તંત્રની ઉદાસીનતાને કારણે હવે આ 5000 વર્ષ જૂનું સ્મારક ધીરે-ધીરે જીર્ણતા અનુભવી રહ્યું છે. જે સમયે આક્રમણખોરોની તોપોની સામે પણ અડીખમ ઉભેલું આ સ્મારક હવે સમયની માર સામે લાચાર બની રહ્યું છે.
કહેવાય છે કે, આ કિલ્લાના કાંકરા હવે ધીરે ધીરે ખરતા જોવા મળી રહ્યાં છે. જો સમય રહેતા આ સ્મારકને જાળવવાનો પ્રયાસ નહીં કરવામાં આવે તો ભારતનો પાંચ હજાર વર્ષ જૂનો પ્રાચીન ઇતિહાસ દિવા તળે અંધારા સમાન ભૂતકાળમાં સરકી જશે.