જૂનાગઢઃ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને શહેરમાં સવારના 10 કલાકની આસપાસ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે સમગ્ર ગિરનાર પર્વતક્ષેત્ર, દામોદર કુંડ અને આસપાસના વિસ્તારમાં વરસાદી પાણીના લીધે પૂરના દ્રશ્યો સર્જાયા હતા.
ઉપરવાસના જંગલોમાં પડેલા ભારે વરસાદને કારણે દામોદર કુંડ સતત ત્રણ દિવસથી છલકાઇને વહી રહ્યો છે. બીજી તરફ જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે ઝરણાઓ પણ વહેતાં જોવા મળી રહ્યા છે. જે કારણે જંગલમાં કુદરતી સૌંદર્યનો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ જૂનાગઢ શહેરની સાથે ગિરનાર પર્વત પર પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે ગિરનારના પગથીયા પરથી વરસાદી પાણીનો પ્રવાહ તળેટી તરફ સતત આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રની સાથે જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને આગામી દિવસોમાં હજૂ પણ જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.