જુનાગઢ:દામોદર કુંડ ખાતે સમગ્ર વર્ષ દરમિયાન પિતૃ તર્પણ અને ધાર્મિક વિધિ માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો સમગ્ર દેશમાંથી આવતા હોય છે. ત્યારે ચોમાસા દરમિયાન ગિરનાર પર્વત પર વરસાદને કારણે દામોદર કુંડમાં સતત વરસાદી પાણીનો પ્રવાહ જોવા મળે છે. આવા સમયે ખૂબ જ સાવચેતી રાખવી અનિવાર્ય હોય છે. પરંતુ આજે માણાવદર પંથકનો મકવાણા પરિવાર બે વર્ષના માસુમ પુત્રની દરકાર કર્યા વગર ધાર્મિક વિધિમાં એટલો મશગુલ થયો કે તેનું બાળક દામોદર કુંડમાં ડૂબીને મોતને ભેટ્યું ત્યાં સુધી તેને ખબર સુદ્ધાં ન રહી.
Junagadh News: માતા પિતાની બેદરકારી, ધ્યાન ન રહેતા દામોદર કુંડમાં અઢી વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત - undefined
દામોદર કુંડ ખાતે ધાર્મિક વિધિ કરાવવા માટે આવેલા પરિવારના અઢી વર્ષના પુત્રનું ડૂબી જવાથી મોત થયું છે. ફાયર વિભાગના જવાનોએ બાળકના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
માતા-પિતાને બેદરકારી પડી ભારે: જૂનાગઢમાં આજે માણાવદરથી એક પરિવાર પિતૃ તર્પણ માટે દામોદર કુંડ આવ્યો હતો. આ પરિવારનું બે વર્ષનું બાળક દામોદર કુંડમાં કોઈ અગમ્ય કારણોસર પડી ગયું હતું. જેની જાણ થતાં જ જુનાગઢ ફાયર વિભાગની ટીમને બાળકના રેસ્ક્યુ માટે બોલાવવામાં આવી હતી. માત્ર બેથી અઢી વર્ષનું બાળક દામોદર કુંડમાંથી શકુશળ બહાર નીકળે તે માટે ફાયર વિભાગે પણ ખૂબ મહેનત કરી હતી. પરંતુ સમય વધુ વીતી જવાને કારણે અંતે બાળકનો મૃતદેહ ફાયર વિભાગના જવાનોને મળ્યો હતો. ત્યારબાદ તેને પોસ્ટ મોર્ટમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
ફાયર વિભાગે આપી માહિતી: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના અધિકારી દીપક જાનીએ ETV ભારત સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે બાળક ડૂબવાનો કોલ ફાયર વિભાગને મળતા જ અમારી ટીમ દામોદર કુંડ ખાતે યુદ્ધના ધોરણે પહોંચી ગઈ હતી. પરંતુ સમય રહેતા બાળકને દામોદર કુંડમાંથી બહાર કાઢવામાં ફાયર વિભાગના કર્મચારીઓને સફળતા ન મળી અને અંતે દામોદર કુંડમાંથી બાળકનો માત્ર મૃતદેહ બહાર આવ્યો છે. આ ઘટનાને કારણે તેઓ વ્યક્તિગત રીતે પણ ખૂબ જ દુઃખ અનુભવી રહ્યા છે.