જુનાગઢ: ચોરવાડ ખાતે આજે હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. બપોરના સમયે ચોરવાડમાં રહેતા 17 વર્ષીય જીગ્નેશ નામના કિશોરનું મોત હૃદય સંબંધી બીમારીને કારણે થતા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
junagadh News: ચોરવાડના 17 વર્ષના કિશોરનું હૃદય સંબંધી બીમારીથી મોત, ખેતરમાં કામ કરતાં ઢળી પડ્યો
જુનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે આજે હૃદય દ્રાવક ઘટના બની છે. નાળિયેરના ખેતરમાં કામ કરતા 17 વર્ષના કિશોર જીગ્નેશનું હૃદય સંબંધી બીમારીને કારણે મોત થતા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ખેતરમાં અચાનક ઢળી પડ્યો: મૂળ ચોરવાડનો 17 વર્ષનો કિશોર જીગ્નેશ ચોરવાડમાં નાળિયેરના બગીચામાં બપોરના સમયે કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક તે કામ કરતા ખેતરમાં ઢળી પડ્યો હતો. જેથી અન્ય લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેને CPR આપવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારબાદ તુરંત જિગ્નેશને 108 મારફતે ચોરવાડ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબોએ જીગ્નેશને મૃત જાહેર કરતા સમગ્ર ગામમાં ભારે ગમગીની ફેલાઈ જવા પામી હતી. પ્રાથમિક હનુમાન મુજબ જીગ્નેશનું મોત હૃદય સંબંધી કોઈ બીમારીને કારણે થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
યુવાનોમાં હાર્ટઅટેકનું પ્રમાણ વધ્યું: છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં પાંચ જેટલા નાની વયના યુવાનોના હાર્ટઅટેકમાં મોત થયા છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં ક્રિકેટ રમી રહેલા યુવકોના હાર્ટઅટેકના કારણે મોત નિપજ્યાના બનાવ બની ચૂક્યા છે. જે વચ્ચે હવે શાળાએ જતાં બાળકોમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી રહી છે. જે ચિંતાજનક છે. રાજકોટમાં યુવાનોમાં હાર્ટ એટેકનું ઊંચુ પ્રમાણ સામે આવી રહ્યું છે. આ અગાઉ પણ રાજકોટમાં રેસ કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા રમતા બે જેટલા યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત થયા હતા. જ્યારે શહેરની મારવાડી કોલેજમાં એક યુવાનનું વોલીબોલ રમતા રમતા પણ મોત થયું હતું અને આ અગાઉ એક યુવાનનું જીમમાં ગયા બાદ ઘરે પરત આવ્યા પછી હાર્ટ એટેકના કારણે મોત થયું હતું.