જૂનાગઢ: સમગ્ર દેશમાં આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યમાં થનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહ અને ઉમંગ છવાયો છે. ત્યારે જુનાગઢમાં આવેલું અને 16મી સદીમાં બનેલું રામજી મંદિર મઠ આજે જીર્ણોદ્ધાર માગી રહ્યું છે. જે રીતે અયોધ્યામાં ભવ્ય રામમંદિર દેશના રામ ભક્તો માટે ખુલ્લુ મુકાવા જઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢના ઉપરકોટ નજીક આવેલું અને ખૂબ પ્રાચીન ધાર્મિક મહત્વ ધરાવતું રામજી મંદિર મઠ આજે જર્જરિત બની ગયું છે. ત્યારે રાજ્યની સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડ 16 મી સદી જુના રામજી મંદિર મઠના જીર્ણોદ્ધારને લઈને આગળ આવે તેવી માંગ મંદિરના સેવકો અને ટ્રસ્ટી મંડળ દ્વારા પણ કરવામાં આવી રહી છે.
Junagadh Ram Mandir: 16મી સદીમાં બનેલું જુનાગઢનું રામજી મંદિર ઝંખે છે જીર્ણોદ્ધાર
22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આકાર પામેલ ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં 16મી સદીમાં બનેલું રામજી મંદિર આજે જીર્ણોદ્ધાર માગી રહ્યું છે. મંદિરના સેવકો અને ટ્રસ્ટી મંડળ સાથે સંકળાયેલા પદાધિકારીઓ દ્વારા રાજ્ય સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડ સમક્ષ જૂનાગઢના રામજી મંદિર મઠના જીર્ણોદ્ધારની માંગ કરવામાં આવી છે.
Published : Jan 7, 2024, 9:10 AM IST
|Updated : Jan 7, 2024, 9:36 AM IST
જુનાગઢ અને અયોધ્યાનો સંબંધ રામજી મંદિર મઠ:ઉપરકોટ નજીક આવેલું રામજી મંદિર મઠ 16 મી સદીમાં બન્યું હોવાના પુરાવાઓ છે, ગુજરાત રાજ્યમાં 16 રામજી મંદિર મઠ આવેલા છે, જે પૈકી જૂનાગઢનું રામજી મંદિર મઠ ચોથા સ્થાન પર જોવા મળે છે. આ મંદિરમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતા માતા સાથે બિરાજમાન છે. અહીં ભગવાનની પ્રતિમા શ્યામ વર્ણની જોવા મળે છે. જેથી આ મંદિરમાં બિરાજતા ભગવાન રામને કાળા રામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ પ્રકારની ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં આવેલા કનક ભવનમાં રામજી મંદિરમાં પણ પ્રસ્થાપિત કરવામાં આવી છે.
રામજી મંદિર માંથી નીકળે છે યાત્રાઓ:ઉપરકોટ નજીક આવેલા રામજી મંદિર મઠમાંથી રામનવમીની વિશાળ શોભા યાત્રા પણ નીકળે છે. જ્યારે જન્માષ્ટમીના પાવન તહેવારે શ્રી હરિકૃષ્ણની શોભા યાત્રા પણ આજ મંદિરના પટાંગણ માંથી નીકળતી જોવા મળે છે. જેને કારણે પણ આ મંદિર આજે ખૂબ ધાર્મિક મહત્વ ધરાવે છે, પરંતુ 16 મી સદીમાં બનેલું અને છેલ્લાં કેટલાક વર્ષોથી સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડની ઉદાસીનતાને કારણે આ મંદિરનું નવનિર્માણનું કાર્ય કોઈ કારણોસર બંધ પડેલું છે. જે ફરીથી શરૂ થાય તેવી માંગ મંદિરના સેવક અને ટ્રસ્ટી મંડળ સાથે સંકળાયેલા પદાધિકારી અને શહેરના રામભક્તો પણ કરી રહ્યા છે.