ગુજરાત

gujarat

ETV Bharat / state

World Cotton Day : સફેદ સોનું કહેવાતો પાક કપાસ, જામનગર જિલ્લામાં કેટલા હેક્ટરમાં વાવેતર થયું વિશ્વ કપાસ દિવસ પર જાણો - Cotton Price

ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં કપાસનું 1,78,154 હેક્ટરમાં વાવેતર કરાયું છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ કપાસના વાવેતરમાં 18,971 હેકટરનો વધારો થયો છે. 7 ઓકટોબર વિશ્વ કપાસ દિવસ છે ત્યારે ગુજરાત ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય બન્યું હોવાના સારા સમાચાર સામે આવ્યાં છે.

World Cotton Day : સફેદ સોનું કહેવાતો પાક કપાસ, જામનગર જિલ્લામાં કેટલા હેક્ટરમાં વાવેતર થયું વિશ્વ કપાસ દિવસ પર જાણો
World Cotton Day : સફેદ સોનું કહેવાતો પાક કપાસ, જામનગર જિલ્લામાં કેટલા હેક્ટરમાં વાવેતર થયું વિશ્વ કપાસ દિવસ પર જાણો

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2023, 2:58 PM IST

નાના ખેડૂતોને ટેકો મળ્યો છે

જામનગર : કપાસના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે, કપાસ એ દેશના સૌથી મહત્વપૂર્ણ પાકોમાં એક છે. ભારત હજારો વર્ષોથી કપાસનું ઉત્પાદન કરી રહ્યું છે. દેશના લાખો ખેડૂતો કપાસના પાકના વાવેતર થકી આજીવિકા મેળવે છે અને લાખો લોકો કપાસ ઉદ્યોગમાં કામ કરે છે. કપાસ એ ગુજરાત રાજયનો મુખ્ય રોકડિયો પાક છે. કપાસ ક્ષેત્રે ગુજરાત દેશમાં આગવું સ્થાન ધરાવે છે. એટલું જ નહી, પરંતુ કપાસમાં સંકર જાત શોધવામાં આપણું રાજ્ય વિશ્વસ્તરે પ્રથમ રહ્યું છે.

કુલ 26 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર : ભારતમાં ગુજરાત રાજ્ય દેશનું સૌથી વધુ કપાસનું વાવેતર કરતું રાજ્ય છે. ગુજરાતમાં આ વર્ષે કપાસનું રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. અંદાજે આ વર્ષે અત્યાર સુધીમાં 26 લાખથી વધુ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જે છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ છે. ગુજરાતમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન થાય છે.

જામનગરમાં કપાસ વાવેતર : જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં સરેરાશ અંદાજે 3,49,000 હેક્ટર વિસ્તારમાં કુલ વાવેતર કરવામાં આવે છે. જેમાં સૌથી વધુ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે. જિલ્લામાં વર્ષ 2023માં અત્યાર સુધી અંદાજે 1,78,154 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં 18,971 હેકટરનો વધારો નોંધાયો છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આ વર્ષે સૌથી વધુ કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.

સરકારની સૌની યોજના હેઠળ ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવતા કપાસના પાકનું વાવેતર કરતાં ખેડૂતોને ટેકો મળ્યો છે. ગત વર્ષે કપાસના ઉચ્ચ ભાવ રહ્યા હતા. સારા ભાવ મળી રહેતા ખેડૂતોનું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે...કાંતિભાઈ(બજરંગપુર ગામના ખેડૂત)

સિંચાઇના પાણીનો લાભ : જામનગર તાલુકાના બજરંગપૂર ગામે રહેતા ખેડૂત કાંતિભાઈ જણાવે છે કે સૌરાષ્ટ્રમાં કપાસનું સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. કાળી અને પાણીવાળી જમીનમાં કપાસનું સારું ઉત્પાદન થાય છે. ચાલુ વર્ષે વરસાદની અછત દરમિયાન સરકારે સૌની યોજના હેઠળ ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કર્યું છે. તેના પરિણામે કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને અને નાના ખેડૂતોને ટેકો મળ્યો છે. તેઓ વધુમાં જણાવે છે કે મે 20 વીઘા જેટલી જમીનમાં કપાસના પાકનું વાવેતર કર્યું છે. સરેરાશ એક વીઘા દીઠ રૂ.50,000ની આવક મળતા અમારા પરિવારનું સારી રીતે ગુજરાન ચાલે છે.

  1. World Cotton Day 2023: સમગ્ર ભારતમાં કપાસ ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ, સુરતે સમગ્ર વિશ્વને આપી સંકર કપાસની અણમોલ ભેટ
  2. Bhavnagar Agriculture : ભાવનગરમાં સવા ચાર લાખ હેક્ટરમાં વાવેતર, ખેડૂતોને કયા પાકમાં સૌથી વધુ ભાવની અપેક્ષા જૂઓ
  3. Cotton Price : ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસની હરાજીના શ્રીગણેશ, પ્રતિમણ ભાવ રૂપિયા 2121 બોલાયા

ABOUT THE AUTHOR

...view details