જામનગરઃ સાસંદ સભ્ય પૂનમબેન માડમના સઘન પ્રયાસોથી અજમેરમાં લોકડાઉનમાં ફસાઇ ગયેલા જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છના યાત્રિકો પરત પહોંચ્યા હતા.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાસંદ સભ્ય પૂનમબેન માડમના સઘન પ્રયાસોથી અજમેર(રાજસ્થાન)માં લોકડાઉનના કારણે ફસાયેલા જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છના યાત્રિકો ગત બુધવારે વતન પરત આવી પહોંચ્યા છે. જેથી સૌએ હાશકારો અનુભવ્યો હતો.
આ અંગે સાંસદ સભ્ય પૂનમબેન માડમએ વિશેષ રૂપે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે સૌ યાત્રિકોએ તેમના માટે સઘન પ્રયાસો કરી સફળ જહેમત ઉઠાવવા માટે સાંસદ પૂનમબેન માડમનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
જામનગર ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના શહેરોમાંથી યાત્રિકો અજમેર(રાજસ્થાન)માં લોકડાઉનના કારણે ફસાયા હતા. ત્યાંથી યાત્રિકોએ સાસંદ સભ્ય પૂનમબેન માડમનો સંપર્ક કર્યો અને પરત આવવા મદદ માંગી હતી. આ બાબતની ગંભીરતા લઇ સાંસદ પૂનમબેન માડમે યાત્રિકોની વિગતો સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમીતભાઇ શાહને રજૂઆત કરી જામનગર સહિતના તમામ યાત્રિકો તેમના વતન પરત આવી શકે તે માટે જરૂરી પરમીશન આપવાની પ્રક્રિયા હાથ ધરાય તેવી ભાર પૂર્વકની માગણી કરી હતી.