Jamnagar Building Collapses: આવાસની ઈમારત ધરાશાયી થતા ત્રણનાં મોત, સાતને ઈજા જામનગરઃ જામનગર શહેરાન સાધના કોલોનીમાં આવેલા 30 વર્ષ જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસના 3 માળના બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થતા મોટી હોનારત થઈ છે. ત્રણ માળના બિલ્ડિગમાં કુલ છ ફ્લેટ હતા. પરિવારના સભ્યો કાટમાળમાં દટાઈ ગયા હતા. જેના કારણે તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. તાત્કાલિક શરૂ કરવામાં આવેલી બચાવ કામગીરીમાં બે પરિવારના 9 સભ્યોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. પછી એમને સારવાર હેતું જામનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ત્રણ વ્યક્તિઓના મોતઃએક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત થતા એમના સ્વજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગર્ભવતી પત્ની, પતિ અને દીકરાનું મૃત્યું થતા સમગ્ર વિસ્તારમાં માતમ જેવો માહોલ છે. સાધના કોલોની વિસ્તારમાં આવેલા આવાસના બ્લોક નંબર 69માં આ ઘટના બની હતી. શુક્રવારે સાંજના સમયે બનેલી આ ઘટનામાં કાટમાળને દૂર કરવા માટે ફાયર વિભાગે જેસીબીની મદદ લીધી હતી. માત્ર ફાયર વિભાગ જ નહીં પણ કોર્પોરેશનની ટીમ પણ બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. કુલ છ ફ્લેટમાંથી બે ફ્લેટમાં પરિવાર રહેતા હતા. જયપાલ સાદિયા, એની પત્ની મિતલબેન તથા સાત વર્ષનો દીકરો શિવરાજ મૃત્યું પામ્યા હતા.
CMએ આર્થિક મદદ જાહેર કરીઃરાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમગ્ર ઘટનાની નોંધ લીધી છે. દુઃખની લાગણી વ્યક્ત કરી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મૃતકના પ્રત્યેક પરિવારજનોને રૂપિયા 4 લાખની આર્થિક મદદ અને ઈજાગ્રસ્તને 50 હજાર રૂપિયાની આર્થિક મદદ જાહેર કરી દીધી છે. આ ઘટનામાં જે બે દીકરીઓ બચી ગઈ છે એમને વડાપ્રધાન સુ-કન્યા અંતર્ગત સહાય આપવામાં આવશે. જેમાં 51 હજાર રૂપિયાની સહાય તાત્કાલિક મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલની મુલાકાત લેતા ધારાસભ્ય રીવાબા જાડેજાએ આ અંગેની જાહેરાત કરી હતી. આ બન્ને દીકરીઓ કાટમાળમાં દટાઈ ગઈ હતી.
ઓછી જગ્યાથી મુશ્કેલીઃજે જગ્યાએ આ ઈમારત પડી હતી. ત્યાં આસપાસની ગલીઓ ખૂબ જ નાની છે. જ્યાં હોનારતને કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા બચાવ કાર્યમાં મુશ્કેલી ઊભી થઈ હતી. પોલીસ સ્ટાફે લોકોને દૂર કર્યા બાદ રસ્તો ક્લિયર કરાયો હતો. સમગ્ર વિસ્તારમાં વીજ વાયર તૂટી ગયા હોવાથી જનરેટરની મદદથી મોડી રાત સુધી કાટમાળ દૂર કરવામાં આવ્યો હતો.
નિવાસીની વાતઃઆ જ ઈમારતના બાકી બચેલા ભાગમાં રહેતા મનોજ ગોસ્વામીએ કહ્યું હતું કે, બપોરના સમયથી ઈમારતની છતમાંથી ધૂળ ખરવા માંડી હતી. આ અંગે વિસ્તારના આગેવાન મહાવીરસિંહ જાડેજાને પણ જાણ કરવામાં આવી હતી. પણ થોડી જ વારમાં ધડાકા સાથે ઈમારત તૂટી ગઈ. અમે બચી ગયા પણ ત્રણ વ્યક્તિઓના મૃત્યુંં થયા છે.
- Jamnagar Accident: ધોરાજી- કાલાવડ હાઇવે પર ટ્રકના ટાયર નીકળતા અકસ્માત, એકને ગંભીર ઈજા
- Jamnagar Crime : નાની રાફુદળમાં જન્મદિવસની રાત્રે પ્રેમીકાની હત્યા કરનાર આરોપીને આસામમાંથી દબોચ્યો