જામનગર: નેવી ઇન્ટેલિજન્સ જામનગર અને NCBએ સંયુક્ત ઓપરેશન ચલાવીને 12 હજાર કરોડનું 2500 કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સ મળી આવ્યું હતું. દેશમાં મેથામ્ફેટામાઈન ડ્રગ્સનો આટલો મોટો જથ્થો પ્રથમ વખત મળી આવ્યો છે. નેવીએ કન્સાઈનમેન્ટ સાથે એક શંકાસ્પદ પાકિસ્તાની નાગરિકની પણ અટકાયત કરી છે. તેની પૂછપરછ ચાલી રહી છે. સામે આવેલી માહિતી પ્રમાણે આ ડ્રગ્સ અફઘાનિસ્તાનથી દરિયાઈ માર્ગે કેરળ લાવવામાં આવ્યું હતું. સૂત્રો અનુસાર આ ડ્ર્ગ્સની ગુજરાતમાં ડિલિવરી થવાની હતી.
'મધર જહાજ' માંથી મળી આવ્યું ડ્ર્ગ્સ: ભારતીય નૌકાદળની ઇન્ટેલિજન્સ વિંગ સાથેના સંયુક્ત ઓપરેશનને ચાલુ રાખીને મકરાનના દરિયાકાંઠે મેથામ્ફેટામાઇનનો મોટો જથ્થો વહન કરતા 'મધર જહાજ'ની હિલચાલ વિશે ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ હતી. મધર શિપ મોટા સમુદ્રી જહાજો છે. આ ઈનપુટના આધારે નેવીએ દરિયામાં જઈ રહેલા એક મોટા જહાજને અટકાવ્યું હતું. જહાજમાંથી શંકાસ્પદ મેથામ્ફેટામાઈનની 134 બોરીઓ મળી આવી હતી અને એક ઈરાની નાગરિકની પણ અટકાયત કરવામાં આવી હતી. મુખ્ય જહાજમાંથી જપ્ત કરાયેલ બંદૂકની થેલીઓ, પાકિસ્તાની નાગરિકો, અટકાવેલી બોટ અને અન્ય કેટલીક વસ્તુઓને 13 મે 2023ના રોજ કોચીનની મટ્ટનચેરી જેટી ખાતે લાવવામાં આવી હતી અને આગળની કાર્યવાહી માટે NCBને સોંપવામાં આવી હતી.
'ઓપરેશન સમુદ્રગુપ્ત': હિંદ મહાસાગર ક્ષેત્ર પર રાષ્ટ્રીય સુરક્ષા માટેના જોખમને ધ્યાનમાં રાખીને એનસીબીના મહાનિર્દેશક એસએન પ્રધાનની અધ્યક્ષતામાં 'ઓપરેશન સમુદ્રગુપ્ત' શરૂ કરવામાં આવ્યું હતું. NCB અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં લગભગ 3200 કિલો મેથામ્ફેટામાઇન, 500 કિલો હેરોઇન અને 529 કિલો ચરસ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઓપરેશન જાન્યુઆરી 2022માં NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઓફ ઓપરેશન્સ સંજય સિંહની દેખરેખ હેઠળ શરૂ થયું હતું. ઓપરેશનનો હેતું માદક દ્રવ્યોનું વહન કરતા જહાજોને રોકવા માટે માહિતી એકઠી કરવાનો હતો.