જામનગર મહાનગરપાલિકામાં વર્ષ 1992થી લઈને અત્યાર સુધી શહેરમાં થયેલા મોટાભાગના ડીપી કપાતના અસરગ્રસ્તોને કરોડોની રકમનું વળતર હજુ સુધી મનપાએ ચૂકવ્યું નથી. આવા સમયે કોંગ્રેસના વિપક્ષી સિનિયર નગરસેવક આક્ષેપ કરી રહ્યાં છે કે, જૂના વળતરની રકમ ચૂકવવા માટે મનપા દરકાર લેતું નથી. નવા ડીપી રોડને મંજૂરીઓ આપવામાં આવી રહી છે. આ નવા ડીપીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોને અસર થશે, ત્યારે તેનું વળતર મનપા ક્યાંથી ચૂકવશે. ભૂતકાળમાં થયેલ ડીપી કપાતના અસરગ્રસ્તોને કરોડો રુપિયાના વળતર હજૂ સુધી મળ્યા નથી. તેમને વળતર ક્યારે ચૂકવવામાં આવશે. તે પણ મનપા સામે એક સળગતો સવાલ છે.
જામનગરમાં 1992માં થયેલ ડીપી કપાતના અસરગ્રસ્તોએ મનપા પાસે વળતરની કરી માગ - Jamnagar demanded compensation from the Municipal Corporation
જામનગર: પચીસ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં શહેરના મોટાભાગના ડીપી કપાતના અસરગ્રસ્તો મનપા પાસેથી વળતરની રાહ જોઇ રહ્યાં છે. મનપા દ્વારા ડીપી કપાતના અસરગ્રસ્તોને મનપાની નાણાકીય જોગવાઇઓ અને અસરગ્રસ્તોને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવાના બહાને વર્ષોથી હેરાન કરી કરોડોનું વળતર ન ચૂકવવામાં આવતું હોવાનો વિપક્ષી સિનિયર નગરસેવકે આક્ષેપ કર્યો હતો. બીજી તરફ ઘર અને ધંધાવિહોણા થયેલા સંખ્યાબંધ અસરગ્રસ્તોએ મનપા પાસેથી તાત્કાલિક વળતરની માગ કરી હતી.
જામનગર શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા પચીસ વર્ષના સમયગાળા દરમિયાન દરબારગઢ વિસ્તાર તેમજ બેડીગેટ અને અન્ય વિસ્તારોમાં મનપા દ્વારા ટ્રાફિક સમસ્યા અને શહેરના વિકાસના નામે ડીપી રોડની કપાતો કરવામાં આવી હતી. પરંતુ કપાતમાં ગયેલા અસરગ્રસ્તોને મકાન અને ધંધા રોજગારમાં ભારે નુકસાન થયું છે. ક્યાંકને ક્યાંક વિસ્થાપિતોને આપવામાં આવતું વળતર આપવા માટે મનપા દ્વારા જુદા જુદા બહાનાઓ કાઢી ઠાગા ઠૈયા કરવામાં આવે છે. અસરગ્રસ્તોની હાલત પણ હાલ ખૂબ કફોડી બની છે. મનપા તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક વળતર આપે તેવી અસરગ્રસ્તોએ માંગ કરી હતી.