આ અભ્યારણ્ય મનુષ્યની દરમિયાનગીરીના પરિણામે સર્જાયેલા ઉમદા પરિસર તંત્રો પૈકીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે આ નાનકડા વિસ્તારમાં અનેક વિવિધ પક્ષીઓ માટે આશ્રય સ્થાન પુરૂ પાડે છે. આ અભ્યારણ્યમાંના મીઠાં પાણીનાં સરોવરો કચ્છના અખાતના દક્ષિણતટની સમાંતરે નિર્માણ કરાયેલ માટીનાં કૃત્રિમ પાળાને કારણે અસ્તિત્વમાં આવેલા છે.
આ પાળાઓનું નિર્માણ 1920માં ત્યારના નવાનગરના રાજા દ્વારા કરવામાં આવ્યું હતું. 1956માં રાજ્ય સરકારે ખારાશને આગળ વધતી રોકવાના મુખ્ય હેતુસર કચ્છના અખાતમાં વહી જતા વરસાદી પાણીને અટકાવવા માટે તે બનાવ્યાં હતા. સમય જતાં આ પાળાઓએ કાલિંદી તેમજ રૂપારેલ નદીઓનાં પાણીને અવરોધતાં મીઠાપાણીના બે જલપ્લાવિત વિસ્તારોનું નિર્માણ થયું. જેમાં ભાગ-1 ધુંવાવ તરફના અને ભાગ-2 જાંબુડા તરફના વિસ્તારનો સમાવેશ થાય છે.
આ વિસ્તાર એક અનન્ય જૈવિક પ્રણાલીમાં અને જળપક્ષીઓના મિલન સ્થળમાં રૂપાંતરીત થયો છે. 1981માં આ વિસ્તારની જૈવવિવિધતાને ધ્યાને લઈ સરકારશ્રીએ તેને અભ્યારણ્ય તરીકે જાહેર કર્યો.દર વર્ષે લાખોની સંખ્યામાં પક્ષીઓ આ ક્ષેત્રમાં આવે છે. આશરે 7.5 કી.મી.ના વિસ્તારમાં ફેલાયેલા આ અભ્યારણ્યમાં કુલ 312 પક્ષીની જાતો દ્રશ્યમાન થાય છે. અનેક યાયાવર પક્ષીઓ માટે ખીજડીયા વિસામાનું સ્થળ છે, તો કેટલાક સમગ્ર શિયાળા દરમિયાન આ વિસ્તારમાં નિવાસ કરે છે. ઉપરાંત શેળો, શાહુડી, ભારતીય સસલા, લોંકડી, શિયાળ, જંગલી બિલાડી, નીલગાય, નોળીયા અને વરૂ જેવા સસ્તન પ્રાણીઓ તેમજ માછલીની વિવિધ પ્રજાતિઓ, ઉભયચરો અને સરિસૃપોની આશરે 12 જાતિઓ પણ અહીં જોવા મળે છે.
યાયાવર પક્ષીગાન અને નયન રમ્ય પ્રકૃતિ દ્રશ્યોના દર્શનનો સુભગ સમન્વય એટલે ખીજડીયા પક્ષી અભ્યારણ્ વિશ્વમાં વસતી અનેક પ્રજાતિઓ આજે લુપ્ત થઈ રહી છે, ત્યારે ખીજડીયામાં આવી પ્રજાતિઓ જેવી કે, મોટી ચોટીલી ડૂબકી, નાની કાંકણસાર અને કાળી ડોક ઢોંક જેવી પ્રજાતિઓ અહીં સંતતિ ઉછેર કરે છે, જેને લઈને આ વિસ્તાર ઘણો લોકપ્રિય બન્યો છે. વળી ખારા પાણીના વિસ્તારમાં મીઠાનાં અગર યાયાવર કુંજ, મોટો અને નાનો હંજ તેમજ પેણ માટે આદર્શ વિશ્રાંતી સ્થાનની ગરજ સારે છે.શિયાળાની ઋતુ પક્ષી દર્શન, નિસર્ગ દર્શન માટે આદર્શ ગણાય છે. સાથે જ જામનગરથી ફક્ત 12 કી.મી. દુર હોવાને કારણે પ્રકૃતિ શિક્ષણ શિબિરના આયોજનો પણ ખીજડીયામાં સુચારૂ રૂપે થતાં રહે છે.
ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન દર વર્ષે ઓક્ટોબર માસથી ફેબ્રુઆરી માસ દરમિયાન કરવામાં આવે છે. જેમાં ધોરણ 8થી (13 વર્ષથી) ઉપરના વિદ્યાર્થીઓ અને 2 શિક્ષક ભાગ લઈ શકે છે. અદ્દભૂત યાયાવર પક્ષીગાન, નયન રમ્ય પ્રકૃતિ દ્રશ્યોના દર્શન ખીજડીયાની ભૂમિને સ્વર્ગ સમાન બનાવે છે. વળી, પક્ષી વિદો માટે અને પક્ષી નિરીક્ષકો માટે આ અભ્યારણ્ય કોઈ મહાન ગ્રંથથી ઓછો નથી ત્યારે આ સ્થળની મુલાકાત એ બાળકો માટે પણ પ્રકૃતિના સાંનિધ્ય અને શિક્ષણનો સુભગ સમન્વય બને છે તો તેની મુલાકાત લેવી ઘટે જ..!