જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપતા રેખાબેન નંદા જામનગર :5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. દેશના ભવિષ્ય સમા બાળકોના જીવન ઘડતરમાં શિક્ષકો મહત્વનું યોગદાન આપતા હોય છે. અમુક શિક્ષકો એવા પણ છે જેમની પાસે ડિગ્રી નથી અને છતાં પણ તેઓ બાળકોને શિક્ષિત કરી રહ્યા છે. જામનગરમાં આવા જ એક બહેન છેલ્લા બે વર્ષથી ઝૂંપડપટ્ટીના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપી રહ્યા છે.
શિક્ષણનું મહત્વ : શિક્ષણ મળવું એ તમામ બાળકોનો મૂળભૂત અધિકાર છે. જોકે માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે ઘણા બાળકો નાનપણથી જ માતા-પિતા સાથે ઘરનું પાલન પોષણ કરવા માટે રોજગારીમાં જોડાઈ જતા હોય છે. જોકે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં એક પણ બાળક શિક્ષણ વિના ન રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. છતાં પણ હજુ સ્લમ વિસ્તારોના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે.
રેખાબેન નંદા : રેખાબેન નંદા જામનગર મધ્ય આવેલા લાખોટા તળાવના પરિસરમાં છેલ્લા બે વર્ષથી ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. તેઓ ઝૂંપડપટ્ટી એન્જલ પાઠશાળા ચલાવી રહ્યા છે. જેમાં તેઓ શરૂઆતમાં પાંચ બાળકોને અભ્યાસ આપવા અર્થે આવતા હતા. હવે તેઓ 15 જેટલા બાળકોને અહીં શિક્ષણ આપવા આવે છે. જોકે બાળકોને શિક્ષણ આપ્યા બાદ પોતાના ખર્ચે નાસ્તો પણ કરાવે છે.
મેં યુ ટ્યુબમાં એક વીડિયો જોયો હતો. આ વીડિયો જોઈને મને વિચાર આવ્યો કે, પોતાના માટે બધું કરીએ છીએ. પરંતુ અન્ય લોકોને મદદ કેવી રીતે કરી શકાય. ત્યારબાદ મેં સ્લમ વિસ્તારમાં બાળકોને શિક્ષણ આપવાનું શરુ કર્યું હતું.-- રેખાબેન
અનોખું સેવાકાર્ય : આ અંગે રેખાબેને જણાવ્યું હતું કે તેમને આ વિચાર કેવી રીતે આવ્યો. તેઓએ યુ ટ્યુબમાં કોઈ એક વિડીયો જોયો હતો. આ વિડીયો જોયા બાદ તેમણે વિચાર આવ્યો કે, પોતે પોતાના માટે તો બધું કરી રહ્યા છે. પરંતુ અન્ય લોકોને મદદ કેવી રીતે કરી શકાય. ત્યારે તેમણે આ નાના બાળકોને ભણાવવા માટેનો ભગીરથ પ્રયાસ શરૂ કર્યો છે. આ ભગીરથ પ્રયાસ આજે પણ અવિરત ચાલી રહ્યો છે.
એન્જલ ફૂટપાથ પાઠશાળા : રેખાબેનની ટીમમાં બે-ત્રણ લોકો છે. જેઓ નાના બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારોનું પણ સિંચન કરી રહ્યા છે. આ બાળકોને સ્ટેશનરી પણ પોતાના ખર્ચે આપે છે. ઉપરાંત બાળકો તમામ તહેવારો પણ અહીં તળાવની પાળે પોતાની ખુલ્લી સ્કૂલમાં ઉજવે છે. જોકે જામનગર મહાનગરપાલિકા દ્વારા આ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે રેખાબેન નંદાના પ્રયાસથી તળાવની પાળે ખુલ્લી જગ્યામાં બેસવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જેના કારણે ગરીબ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.
- Teachers Day 2023 : શિક્ષણકાર્ય સાથે એન્કરિંગનો શોખ, આગવી ઢબે સરકારને મદદરૂપ થતાં જામનગરના શિક્ષક હરીદેવભાઈ ગઢવી
- Teacher Day 2023: કચ્છમાં 2001ના ભૂકંપમાં પગ ગુમાવી ચૂકેલ નિલમ આજે દિવ્યાંગ બાળકોને આપે છે પ્રજ્ઞા વર્ગ મારફતે શિક્ષણ