જામનગર: જામનગર જિલ્લા કચેરી ખાતે જિલ્લા વહીવટીતંત્ર સાથે રાજ્યના અન્ન અને નાગરિક પૂરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને હાલની લોકડાઉનની પરિસ્થિતિ છે, ત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં જામનગરની સ્થિતિની સમીક્ષા માટે બેઠક યોજાઇ હતી. જેમાં વહીવટીતંત્રના અધિકારીઓ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ તેમજ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા અને જામનગર વેપારી મહામંડળના સુરેશભાઈ તન્ના સહિતના વેપારીઓએ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી તથા થઇ રહેલી કામગીરી વિશે માહિતી આપી હતી. રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોતાના અન્ન-પુરવઠા વિભાગ દ્વારા નિર્ધારિત શહેર-જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની વિતરણ વ્યવસ્થા અંગેની માહિતી મેળવી અને સૂચનાઓ આપી હતી. ધારાસભ્ય અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન રાઘવજીભાઈ પટેલે હાલમાં પ્રવર્તમાન મહામારી અંગે તંત્રએ ઉઠાવેલા પગલાઓની સરાહના કરી હતી અને માર્કેટિંગ યાર્ડ દ્વારા સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી, તેમજ લોકોને આ પરિસ્થિતિની ગંભીરતા સમજી પોતાના ઘરમાં રહેવા અપીલ કરી હતી.
પુરવઠા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની વેપારી મંડળ અને જનપ્રતિનિધિ સાથે બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરવઠો જાળવવામાં પડતી મુશ્કેલીઓ તથા ખેડૂતોને થતી તકલીફો અંગે રજૂઆત કરેલા અને તે સંદર્ભે વ્યવસ્થા જાળવવા સૂચનો કર્યા હતાં. શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચાએ શહેરમાં આવશ્યક સેવાની જાળવણીમાં થઈ રહેલ અડચણો અને શહેરના વેપારીઓને ચીજવસ્તુઓનો પૂરવઠો જાળવવામાં પડી રહેલી મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરી યોગ્ય વ્યવસ્થા જાળવવા સૂચનો કર્યા હતાં.
જામનગર વેપારી મંડળના પ્રમુખ સુરેશભાઈ તન્નાએ શહેરમાં તમામ આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો જાળવી યોગ્ય વિતરણ વ્યવસ્થાઓ માટે અમૂલ્ય સૂચનો કરેલા અને કોઈ પણ જગ્યા પર વેપારીઓ દ્વારા વધુ ભાવ નહીં લેવામાં આવે તેવી પ્રધાને ખાતરી આપી હતી. જિલ્લા સમાહર્તા રવિશંકરે આવેલ રજૂઆતો અને સૂચનોને ધ્યાને લઇ યોગ્ય કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. તો પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીની સરાહના કરી અને જ્યાં જરૂર પડે ત્યાં રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે તેમના તરફથી પૂર્ણ સહયોગ મળી રહેશે તેવી ખાતરી આપી હતી.
આ સમયે પુરવઠો પૂર્ણ રાખવા માટે માલની હેરફેર કરતા વાહનને અટકાવવામાં નહીં આવે તે બાબતે પ્રધાને સ્પષ્ટતા કરી હતી. આ સાથે જ જીવન આવશ્યક વસ્તુઓ પર જે તે વેપારીઓ હાલમાં વધુ ભાવ લઈ રહ્યાં છે. તેમના પર તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના પણ આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, એસપી શરદ સિંઘલ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર વસ્તાણી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.