જામનગર: કાલાવડ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન એક્ટ હેઠળ તારીખ 6-8-2020ના રોજ વિદેશી દારૂના જથ્થા સાથે કાર (GJ 03LG 8413) કાલાવડ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવી હતી. આરોપીઓને ડિસ્ટ્રિક્ટ કોર્ટની શરતોને આધીન મહિનાની પહેલી તેમજ પંદરમી તારીખે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું હોય છે.
ગત મહિને આરોપી પોલીસ સ્ટેશને હાજરી પુરાવા જતા ત્યાં જપ્ત કરેલી ગાડી મળી નહોતી. જે બાબતે પોલીસ દ્વારા ઉડાવ જવાબ આપી આરોપીઓને ભગાડી દીધો હતો. ત્યાર બાદ આજરોજ ગુરુવારે આરોપી અને તેના વકીલ પ્રભાબેન અંગત કામ માટે જામનગર આવતા હતા. તે દરમિયાન કાલાવડ પાસે કાર જોવા મળી હતી.
PSI રાદડિયા કબ્જે કરેલી ગાડીનો ઉપયોગ તેમની પત્ની માટે કરી રહ્યા છે વકીલ પ્રભાબેન દ્વારા ગાડી રોકી તેમાં બેઠેલી મહિલાનીની પૂછપરછ કરી વીડિયો બનાવ્યો હતો. તેમાં જાણવા મળ્યું કે, તે કાલાવડ પોલીસ સ્ટેશનના PSI રાદડિયાના પત્ની છે. તે ગાડીમાં ડ્રાઈવર સાથે તેના કામ અર્થે જતા હતા. પરંતુ તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલી ગાડી જપ્ત થયેલી હતી. જેનો વ્યક્તિગત ઉપયોગ કરી શકાય નહીં.
આ સંદર્ભે મહિલાએ તેમના પતિ PSI રાદડિયાને ફોન પર વાત જણાવી રહ્યા હતા. આરોપી તેમજ તેમના વકીલ જામનગરથી આવતા તેઓને કાલાવડના ખીજડિયા પાસે એક ટોળા દ્વારા રોડ ઉપર રોકવાની કોશિશ પણ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે વકીલ સમજી ગયા કે, આ લોકો તેની પાસે રહેલા વીડિયો ડિલિટ કરવા આડા ઉતર્યા છે. જેથી તેમણે તરત જ ગાડી પરત વાળી પોતાના ગામ કંડોરણા તરફ નિકળ્યા હતા. તે દરમિયાન ટોળા દ્વારા ગાડી ઉપર લાકડીઓ તેમજ પથ્થરના ઘા કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત તેઓ સાતુંદળ વાવડી પહોંચતા ત્યાં પણ અન્ય લોકોએ પથ્થર મારો કર્યો હતો. આ ઘટનામાં તેમની ગાડીમાં કાચ ટૂટી ગયા હતા તેમજ વકીલ પ્રભાબેનના ભત્રીજાને થોડી ઈજા પહોંચી હતી.
તમને જણાવી દઇએ કે, PSI રાદડિયા દ્વારા ભીનું સંકેલવા અનેક દબાણ તેમજ ધાક ધમકીઓ ચાલુ હોવાનું ટેલિફોનિક વાયચીતમાં મહિલા વકીલે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના અંગે જામનગર જિલ્લા SP કડક વલણ દાખવી કાલાવડ ગ્રામ્ય PSI સંદીપ રાદડિયાને સસ્પેન્ડ કર્યા છે.