જામનગર: શહેરમાં આવેલી જી જી હોસ્પિટલમાં 20 વર્ષથી પેઈન ક્લિનિક નામનો વિભાગ કાર્યરત છે. ગરદનનો દુખાવો, ઘૂંટણનો, ખભાનો કે ડાયાબિટીસના કારણે પગ તથા અંગૂઠાના દુખાવાથી લઇ કેન્સરની પીડા, પ્રસૂતિની પીડા દરેક પ્રકારની શારિરિક પીડામાં વર્ષોથી આ પેઈન ક્લિનિક દ્વારા દર્દીઓને નિ:શુલ્ક અને સંપૂર્ણ પીડામુક્તિ થાય તેવી સારવાર આપવામાં આવી રહી છે. સામાન્ય રીતે લોકો આ વિભાગ વિષે વધુ જાણતા નથી હોતા પરંતુ અનેક પ્રકારની પીડાઓમાંથી લોકો પસાર થતા હોય છે.
શરીરની ચેતાતંત્રની તકલીફો, સાંધા અને મણકાની તકલીફોના કારણે થતો અતિશય દુઃખાવો બાળકથી લઈને વૃદ્ધ સુધીના કોઇપણ વ્યક્તિને પાંગળો બનાવી દેતી હોય છે. ત્યારે જામનગર ખાતે આવેલી એમ. પી. શાહ મેડીકલ કોલેજ અને જી જી હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના પ્રાધ્યાપક અને વિભાગના વડા વંદનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ દરેક દર્દીને વિવિધલક્ષી સંપૂર્ણ અને સંતોષકારક સારવાર આપવામાં આવે છે.
ડૉ. વંદનાબેન ત્રિવેદીના હેઠળના એનેસ્થેસિયા વિભાગમાં ચાલતા ઇન્ટેન્સિવ કેર યુનિટમાં આવતા પોસ્ટ ઓપરેટીવ, એક્સિડેન્ટલ પોલીટ્રોમા અને માથાની ઈજાના દર્દીઓને પણ તેઓની પીડામાંથી રાહત મળી રહે તે માટે આ પેઇન ક્લીનીક દ્વારા સારવાર આપવામાં આવે છે. પેઇન ક્લિનિકમાં આવતા દર્દીઓને દરેક પ્રકારના દુ:ખાવા જેવા કે, જુના સાંધાના તથા મણકાના દુ:ખાવા, કમરનો દુ:ખાવો, ગરદનનો, ઘૂંટણનો અને ખભાના દુ:ખાવા લોકોમાં સામાન્ય રીતે જોવા મળતા હોય છે પરંતુ સાથે જ ચેતાતંત્ર સાથે જોડાયેલા ઘણા દુ:ખાવા જેવો કે, ટ્રાયગેમીનલ ન્યુરાલ્જીયાની તકલીફ જેમાં દર્દીના ચહેરા પર ઇલેક્ટ્રિક કરંટ જેવા ઝટકા આખો દિવસ તથા રાત્રે ઊંઘ દરમિયાન પણ આવતા હોય છે. જેથી દર્દીની કાર્યક્ષમતા ઘટી જતી હોય છે અને રોજિંદા જીવનમાં પણ તેમને તકલીફ થતી હોય છે એની સારવાર કરવામાં આવે છે. આ પ્રકારની સારવાર ખાનગી હોસ્પિટલોમાં ખૂબ જ મોંઘી થાય છે. જ્યારે જી જી હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં આવેલા પેઈન ક્લિનિકમાં આવતા દર્દીઓને સંપૂર્ણ રાહત થાય તેવી સારવાર તદ્દન નિ:શુલ્ક આપવામાં આવે છે.
પેઈન ક્લિનિકમાં કેન્સરના દર્દી જેવા કે, મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર, અન્નનળીનું કેન્સર, પેટનું કેન્સર, આંતરડાનું કેન્સર, પેનક્રિયાઝના કેન્સર વગેરે દરેક પ્રકારના કેન્સરના દર્દીને પણ સારવાર આપવામાં આવે છે. કેન્સરના રોગમાં દર્દીઓને થતી અસહ્ય પીડામાંથી આ પેઈન ક્લિનિક દ્વારા દર્દીઓને પીડામાં રાહત આપવાના દિનરાત પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત અચાનક તીવ્ર પીડાની પરિસ્થિતિ જેમ કે, કિડનીમાં પથરીના દુ:ખાવા અથવા તો ઘણીવાર ડાયાબિટીસના દર્દીઓને પગ તથા અંગૂઠાના દુખાવાની ફરિયાદ થતી હોય છે, તેમજ ડાયાબિટીસના ઘણા દર્દીઓને પગ કપાયા બાદ સ્ટેમ્પમાં તીવ્ર દુખાવો રહેતો હોય છે. આ બધા જ પ્રકારની તીવ્ર પીડાની સારવાર પેઇન ક્લીનીક દ્વારા કરવામાં આવી રહી છે. બાળ દર્દીઓને પણ અહીં સારવાર આપવામાં આવે છે, ખાસ કરીને નાનાં બાળકો ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી પીડામાંથી મુક્ત રહે તેના માટે તેમને કોડલ એનેસ્થેસિયા પણ આપવામાં આવે છે.
એનેસ્થેસિયા વિભાગમાં આવેલા ક્લિનિકમાં બધા જ પ્રકારની લાંબી પીડામાં વંદનાબેન ત્રિવેદી દ્વારા નર્વ બ્લોક આપ્યા બાદ તેમને સહાયરૂપ દવાઓ આપી ફિઝિયોથેરાપીની કસરત દ્વારા સારવાર કરાવવામાં આવે છે. સામાન્ય રીતે લાંબી પીડા ભોગવતા દર્દીઓ અને તેના પરિવારના સભ્યોને આ કારણે તેમના રોજ-બરોજ જીવનમાં ખૂબ તકલીફ પડતી હોય છે પરંતુ સારવાર બાદ દર્દીઓને સારું થતાં તેમની જીવનશૈલીમાં સુધારો થાય છે.