જામનગર: જિલ્લાના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે જી. જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દ્વારા કોવિડ-19 અંગે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડૉ. કપિલ દ્વારા સ્વાસ્થ્યકર્મી અને પોલીસકર્મીઓને કોવિડ-19 અંગે તકેદારી રાખવા, તેમજ તેમને મુંઝવતા અનેક પ્રશ્નોનું નિરાકરણ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.
જી. જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દ્વારા કોવિડ-19 અંગે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં કલેકટર રવિશંકરે આ કોરોના વોરિયર્સને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજના સમયમાં કોઈ એક વ્યક્તિની ભૂલ પણ બીજા માટે ઘાતકી થઈ શકે છે. કોરોના વાઈરસનો ચેપ ન લાગે તે માટે દરેકે સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે.
કોરોના વાઈરસના કારણે હવે આપણી જીવનશૈલીમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે. જેમ પહેલા રૂમાલ, વોલેટ અને મોબાઈલ જેવી વસ્તુઓ સાથે ઘરેથી નીકળતા હતા. તેવી જ રીતે હવે લોકોએ ઘરેથી નીકળતા જ માસ્ક પણ યાદ રાખીને પોતાની સાથે રાખવાની ટેવ પાડવાની છે.
કમિશ્નર સતીષ પટેલે જણાવ્યું હતું કે, જામનગરમાં કોરોના કેસ નોંધાયા છે, એ બહારથી આવેલા છે. આમ છતાં હવેના સમયમાં દરેક વ્યક્તિએ પોતાની અને પરિવારની કાળજી લઈને ચાલવાનું રહેશે. કોરોના વોરિયર્સ કે જેઓએ આજ સુધી જામનગરને કમ્યુનિટી સ્પ્રેડથી બચાવી રાખ્યું છે. તેમની કામગીરી અત્યંત પ્રસંશનીય રહી છે.
કોરોના વોરિયર્સને બિરદાવીને કમિશનરે અનુરોધ કર્યો હતો કે, જામનગર જિલ્લો હવે કોરોના મુક્ત રહે, તે માટે લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયના સૂચનોનો ઉપયોગ કરી જ રહ્યા છે. જામનગરવાસીઓને અડધો કલાક કસરત કરવા અનુરોધ કર્યો છે.
આ તકે કોરોના વાઈરસ નોડલ ડૉ. એસ. એસ. ચેટરજી દ્વારા ઉપસ્થિત સ્વાસ્થ્યકર્મીઓ અને પોલીસકર્મીઓના કોવિડ-19ને લગતા પ્રશ્નોના તલસ્પર્શી માર્ગદર્શન સાથે ઉત્તર આપવામાં આવ્યા હતા.