જામનગરઆજરોજ જામનગર મનપાની જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ મુદ્દાઓ પર વિપક્ષ અને સત્તાધારી પક્ષ આમનેસામને આવી ગયા હતા. નગરસેવિકા રચના નંદાણીયાએ તંત્રની કામગીરી પર આકરા આક્ષેપ કર્યા હતા. જેની સામે મનપાના પદાધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા. મુખ્યત્વે ભૂગર્ભ ગટર સહિતની પાયાની સુવિધાઓ અંગે ઉગ્ર ચર્ચા થઈ હતી. જુઓ વિપક્ષના સત્તાપક્ષ પરના આક્ષેપ અને મનપા વહીવટી તંત્રના વળતા જવાબો આ અહેવાલમાં...
જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડની મહત્વની બેઠકમાં આજે રચના નંદાણીયાએ કહ્યું કે, ભ્રષ્ટાચાર કરતા લોકોના શા માટે કોન્ટ્રાક્ટ રીન્યુ કરો છો ? ગરીબ રેંકડીવાળાઓને પરેશાન કરવાનું બંધ કરો, શાસક પક્ષના નગરસેવકોએ ઉગ્ર અવાજે કહ્યું કે, ભૂગર્ભના કામો વોર્ડમાં યોગ્ય થતા નથી, કોન્ટ્રાક્ટરનું નામ રદ્દ કરો. ફાયર બ્રાન્ડ નગરસેવિકા રચના નંદાણીયાએ ભ્રષ્ટાચાર અંગે ભાજપના અગ્રણીઓને કેમ છાવરો છો ? અને તેના કોન્ટ્રાક્ટ શા માટે રીન્યુ કરો છો ? અન્ય ટેન્ડર કેમ મંગાવવામાં આવતા નથી ? તેવા સીધા આક્ષેપ કરતા આખરે આ બબાલ દરમિયાન મેયરે બોર્ડ પૂરી કરી દેવાની જાહેરાત કરી હતી.
બીજી તરફ વોર્ડ નં. 6 માં ભૂગર્ભ ગટરના કામ અંગે ઉગ્ર રજૂઆત થયા બાદ ખુદ શાસક પક્ષના ત્રણ નગરસેવકોએ પણ ભૂગર્ભ ગટરના કામ અંગે હલ્લાબોલ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ કોન્ટ્રાક્ટર કોઇનું માનતા નથી અને કામ પણ કરતા નથી, તેઓ કામ પણ કરતા નથી, આ એજન્સીને રદ્દ કરવી જોઇએ, તેવી માગણી કરતા બોર્ડમાં સનસનાટી મચી ગઈ હતી.
જામનગર મનપા વિપક્ષ નેતા ધવલ નંદાએ કહ્યું હતું કે, આવાસ યોજનાના લોકોના રૂપિયા કોર્પોરેશને શા માટે વાપરી નાખ્યા ? તેમને આ રૂપિયા વાપરવાનો કોઈ હક્ક નથી, આ અંગે યોગ્ય ઉકેલ લાવવા માંગણી કરી છે. જ્યારે ગરીબ રેંકડીવાળા લોકોને શા માટે હટાવો છો ? તેમની હાય લાગશે, તેમ કહીને એસ્ટેટ અધિકારી સામે પણ વિપક્ષી નગરસેવિકાએ આક્ષેપ કર્યા હતા.
બોર્ડના અંતમાં નગરસેવિકા રચના નંદાણીયાએ સીધો આક્ષેપ કર્યો હતો કે, વાવાઝોડા દરમિયાન મંડપની એજન્સીના કેટલાક બિલ ખોટા છે અને આ બિલ ચેક કર્યા નથી, તો કોના નામનું ટેન્ડર હતું. કારણ કે 25 ખુરશીના બદલે 100, 10 ટેબલને બદલે 100 ટેબલ, 25 ગાદલાને બદલે 100 ગાદલા આ પ્રકારના બીલો બનાવવામાં આવ્યા છે અને આ વ્યક્તિ ભાજપના અગ્રણી કાર્યકર છે. તેથી તેની સામે કોઇ પગલા નથી, તે કાર્યકર ભાજપના પ્રમુખની પણ નજીક છે, ત્યારે ટેન્ડરીંગ વિના સ્ટેન્ડિંગ કમિટીએ શા માટે આ વ્યક્તિનો કોન્ટ્રાક્ટ રીન્યુ કર્યો ? તેવો આણિયારો સવાલ પૂછ્યો હતો.
રચના નંદાણીયાના પ્રશ્નના જવાબમાં ડીએમસી ભાવેશ જાનીએ કહ્યું હતું, બિલ બન્યા પછી અમે ચેક કર્યું છે અને ત્યારબાદ ઓડીટમાં મોકલ્યું છે. જેટલી વસ્તુ મંગાવવામાં આવી હતી, તેનું જ બીલ બન્યું છે. ત્યારબાદ રચના નંદાણીયાએ કહ્યું કે, રેંકડીવાળાને શા માટે હટાવવો છો ? તેવો પ્રશ્ન પણ કર્યો હતો, તેમજ મ્યુ. કમિશનર, મેયર અને ચેરમેનની ઓફિસની બહાર સિક્યુરીટીના રુ. રપ હજાર આપીને પ્રજાના રૂપિયા શા માટે વેડફો છો, તમે તમારા રુપિયે સિક્યુરીટી રાખો ને...
ચેરમેન નિલેશ કગથરાએ વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, અમને સત્તા મળી છે તે મુજબ ટેન્ડર રિન્યુ કર્યું છે, સત્તાની બહાર કોઇ કાર્યવાહી કરી નથી, ત્યારે આ અંગે પણ તમે જે આક્ષેપ કર્યા છે તે ખોટા છે. ત્યારે વિપક્ષી નગરસેવિકાએ એવો ટોણો માર્યો હતો કે, તમે દાદાગીરી કરીને ચેરમેન બની ગયા છો અને આશિષભાઈ જોષીને બહાર રાખી દીધા છે, એ શું યોગ્ય છે ?
વિપક્ષ નેતા ધવલ નંદાએ કહ્યું હતું કે, આવાસ યોજના માટે શા માટે બે આવાસની એફ.ડી. ન કરાવાય ? અત્યારે હાલત એટલી ખરાબ છે કે રુ. 60 લાખના બેલેન્સમાંથી રુ. 15 લાખનું બેલેન્સ થઈ ગયું છે, તો તેની જવાબદારી કોની ? કોર્પોરેશને શા માટે લોકોની મૂડી વાપરી નાખી ? તેના જવાબમાં અધિકારી અશોક જોશીએ કહ્યું હતું, વારંવાર વેરા ભરવા અંગે અને એસોસિએશન બનાવવા માટે વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તે ન બનાવતા તેઓના પૈસામાંથી વેરા અને બીલ ભરવામાં આવ્યા છે.
શાસક પક્ષના કોર્પોરેટર કિશન માડમ અને જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર માનતા નથી, ગટરો સાફ થતી નથી અને રજૂઆત કરીએ છે તો એવો જવાબ મળે છે કે તમારે જે કરવું હોય તે કરી લ્યો. ત્રણ-ત્રણ વર્ષથી રજૂઆત કરી છે, પરંતુ અમારું કોઈ સાંભળતું નથી. ભૂગર્ભ ગટરના પ્રશ્નનો રાહુલ બોરીચા અને ફુરકાન શેખે પણ વોર્ડ નં. 6 માં ગટરના યોગ્ય કામો થતા નથી અને તાત્કાલિક કામ કરાવવા રજૂઆત કરી હતી.
જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વેસ્ટ એનર્જી કંપનીમાંથી બહુ જ દુર્ગંધ આવે છે, સાંજે 5 વાગ્યા પછી વોર્ડ નં. 2, 3, 4 ના લોકો ઘરમાં રહી શકતા નથી, આ કંપનીને શિયાળામાં બે મહિના બંધ કરાવી દેવી અન્યથા સ્પ્રે મુકાવી દો. જૈનબ ખફીએ જણાવ્યું હતું કે, ભૂગર્ભ ગટરના કામ યોગ્ય થતા નથી, પરંતુ દર મહિને આ કંપનીવાળાઓને 20 લાખ ચૂકવીએ છીએ, ગટર સાફ થતી નથી, તો ખુલ્લી ગટર આના કરતાં બહુ સારી હતી, કિર્તી પાનથી ટીટોડી વાડી સુધી રુ. 9 કરોડ ઉપરનું કામ થયું છે, તે ચેક કરીને તેનું રોજકામ કરાવવું જોઈએ, અત્યારે પણ ત્યાં પાણી ભરાય છે, કંપનીવાળાઓએ યોગ્ય લોખંડ વાપર્યું છે કે કેમ ? તે અંગે તપાસ કરો.
નગરસેવક અલ્તાફ ખફીએ કહ્યું હતું કે, સરકારમાંથી એટલે કે જિલ્લા પંચાયતમાંથી આવેલ નિયતિબેન નામના અધિકારી કોઇને ગાંઠતા નથી, ગરીબોના કામ કરતા નથી, તેની સામે કાયદેસરના પગલાં ભરીને તેને પાછા મોકલી દેવા જોઈએ, આયુષ્યમાન કાર્ડ જેવી મહત્વની કામગીરીમાં અગાઉ નિલેશ ભટ્ટ જેવા અધિકારી ખૂબ જ સહકાર આપતા નથી, પરંતુ આ મહિલા અધિકારી કોઇના ફોન ઉપાડતા નથી અને કોઈના કામ પણ કરતા નથી.
- Jamnagar News : જામનગરને ગ્રીન સિટી બનાવવા માટે એક્શન પ્લાન ઘડાશે, મૂળુ બેરાએ આપ્યું વચન
- જામનગર: જામ આંબરડી ગામે ખેતરોમાં વીજલાઈન નાખવા સામે ખેડૂતોનો વિરોધ