જામનગર : જામનગરમાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા કલેકટર રવિશંકરે લોકોને સંબોધન કર્યું છે કે, હાલમાં જામનગરમાં જે પ્રથમ પોઝિટિવ કેસ આવેલ છે તે ચૌદ મહિનાનું બાળક છે.
જામનગરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા કલેકટરનો સંદેશ - કોરોના વાઇરસ
જામનગરમાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા કલેકટર રવિશંકરે લોકોને સંબોધન કર્યું છે કે, હાલમાં જામનગરમાં જે પ્રથમ પોઝિટિવ કેસ આવેલ છે તે ચૌદ મહિનાનું બાળક છે. આ રોગ સંક્રમણથી થાય છે એટલે કે તેને તેના માતા-પિતા અથવા આજુબાજુની વ્યક્તિ પાસેથી લાગુ પડવાની શક્યતા છે. બાળકની પરિસ્થિતિ અત્યારે ગંભીર છે, બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવેલ છે અને આવનારા દિવસોમાં તેની તબિયત સુધરે તે માટે દરેક જામનગરવાસી પ્રાર્થના કરે તેમ અનુરોધ કર્યો હતો.

આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક વિસ્તારમાં આ પોઝિટિવ કેસ આવેલો હોવાથી હાલ દરેડ વિસ્તારને સંપૂર્ણ કોરોન્ટાઈન કરવામાં આવ્યું છે. દરેડમાંથી અવરજવર બંધ કરવામાં આવી છે. ત્યારે આ વિસ્તારમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં ઘણા અન્ય રાજ્યોના હિન્દીભાષી શ્રમયોગીઓ પણ રહે છે તેથી તેમણે દરેકને જણાવ્યું કે, આ વિસ્તારમાં આ બાળકના કે તેના માતા-પિતાના સંપર્કમાં જો કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય તેમને વર્તમાનમાં કોઈ શંકાસ્પદ લક્ષણો દેખાતા ન હોય છતાં પણ તેઓ તંત્રનો સંપર્ક કરે.
આ રોગના લક્ષણો ૧૪ દિવસની અંદર દેખાતા હોય છે તેથી કોઈપણ વ્યક્તિને આ ચેપી રોગ લાગુ પડી શકે છે તેમ જણાવી કલેકટરશ્રીએ અપીલ કરી હતી કે, લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે જેથી તેઓ સલામત રહી શકે અને તેમના પરિવારના સભ્યોને પણ સલામત રાખી શકે.