હાલ જામનગરની જી. જી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ફ્લૂના ગણ્યાગાંઠ્યા દર્દીઓ જોવા મળી રહ્યા છે. ઉનાળાની શરૂઆત થતાં જ સ્વાઈન ફ્લૂનો કહેર સમાપ્ત થયો છે. જામનગરની જી. જી. હોસ્પિટલમાં હાલાર પંથકના દર્દીઓ સ્વાઇન ફ્લૂની સારવાર માટે આવતા હોય છે. ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર ગ્રામ્ય વિસ્તારના લોકો સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં સારવાર લેતા હોય છે.
જામનગરમાં સ્વાઇન ફ્લૂનો કહેર સમાપ્ત, લોકોએ હાશકારો અનુભવ્યો
જામનગરઃ જિલ્લાના હાલાર પંથકમાંથી આખરે સ્વાઇનફલૂનો અંત આવ્યો છે. જામનગરની જી. જી. હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જતી હતી. જામનગરની જી.જી.હોસ્પિટલમાં 23 જેટલા દર્દીઓના સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યુ નિપજ્યા હતા.
હાલાર પંથકમાં નાના ભૂલકાથી લઈને વૃદ્ધ વ્યક્તિ પણ સ્વાઇન ફ્લૂની ચપેટમાં આવ્યા હતા. ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં સ્વાઈનફલૂનો કહેર વધુ જોવા મળી રહ્યો હતો. પોરબંદર પંથકની 4 જેટલી મહિલાઓ સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યુ પામી હતી. સ્વાઈન ફ્લૂ એ જીવલેણ બીમારી હોવાથી સ્વાઇન ફ્લૂ પોઝિટિવના દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે. સ્વાઇન ફ્લૂનું સંકટ દૂર થતા હાલાર પંથકના લોકોએ હાશકારો અનુભવ્યો છે. ફરીવાર સ્વાઇન ફ્લૂ માથુ ન ઉંચકે, તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.