કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જામનગરમાં પાણી સમિતિની બેઠક યોજાઈ - gujarati news
જામનગર: જિલ્લામાં પાણી સમિતિની બેઠક કલેકટર કચેરીના સભા ખંડમાં કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં જામનગર શહેર અને નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની પીવાના પાણીની પરિસ્થિતિ અંગે અને ઘાસની જરૂરીયાત અને તેના જથ્થા તેમજ ગોડાઉન અંગેને સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લામાં પાણી સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં કલેકટર રવીશંકર દ્વારા પાણીનો સંગ્રહ અને જમીન રિચાર્જ બાબતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વ્યુહરચનાઓ ઘડવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક વિસ્તારમાં પાણીની જરૂરીયાત, તેનો વપરાશ અને સંગ્રહ અંગેની કામગીરી તુરંત કરવાની સુચના પણ જે તે વિભાગને આપી હતી.
જામનગર જિલ્લામાં જામનગર તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા કુલ 431 ગામ અને પરાઓને પાણી પહોંચાડવામાં આવે છે.
જામનગર જિલ્લાની ગ્રામ્યની કુલ જરૂરિયાત ૫૬ એમ.એલ.ડી.ની છે. જેમાંથી કુલ 130.10 એમ.એલ.ડી પાણી પુરૂ પાડવામાં આવે છે. તેમજ જામનગર જિલ્લાના કુલ 24 ગામ અને 64 પરા વિસ્તારમાં 10,000 લીટરના કુલ 214 ટેન્કરના ફેરા દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્વ સરવૈયા, પ્રાંત અધિકારીઓ, પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર કોટા અને પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.