જામનગરઃ આ કંટ્રોલરૂમના માધ્યમથી હોમ કવોરન્ટાઇન થયેલા લોકોને તેમના મનમાં રહેલા કોવિડ વિશેના પ્રશ્નોના સમાધાન, તેઓ ઘરમાં જ છે અને કવોરન્ટાઇનનું સંપૂર્ણ પાલન કરે છે કે નહીં? તેના વિશેનું ધ્યાન અને મનમાં છુપા ડરને દૂર કરવા માટે કન્ટ્રોલ રૂમના કાર્યરત સભ્યો દ્વારા સતત બે મહિનાથી આ કામગીરી કરી કોરોના વોરિયર્સ તરીકેની લડત લડાઇ રહી છે.
જામનગર જિલ્લાને કોરોનાના લોકલ સંક્રમણથી બચાવવા, કાર્યરત કંટ્રોલરૂમની કામગીરી પર એક નજર..... જામનગરમાં પ્રારંભના સમયમાં એક પણ સંક્રમણનો કેસ ન આવે તે માટે વિદેશથી આવેલા લોકો કે જેઓને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. તેના પર સતત નિરીક્ષણ કરી તેમની તબિયતનું ધ્યાન રાખી અને જો કોઈપણ વ્યક્તિને કોરોનાના કોઈપણ લક્ષણો દેખાય તો તેમને પૂરતા માર્ગદર્શન સાથે તેમના પ્રશ્નોના સમાધાન માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સેવાકર્મીઓ દ્વારા લોકોની અનોખી સેવા કરવામાં આવી છે. અહીં દિવસ-રાત લોકોના આરોગ્યની ચિંતા કરતા સેવાકર્મી કેનેડી ગેબ્રિયલ કહે છે કે, પ્રારંભના સમયમાં વિદેશથી આવેલા લોકો કે અહીંના સ્થાનિક લોકોમાં પણ કોરોના વિશેની જાણકારીના અભાવથી એક અત્યંત ભયનો માહોલ હતો. એવા સમયે હોમ કવોરન્ટાઇન થયેલી વ્યક્તિની તબિયતની કાળજી અમારા દ્વારા લેવાઈ રહી હતી. પરંતુ સાથે જ અમારો પ્રયાસ હતો કે, સમાજથી એકલા રહેલા આ લોકોના મનમાં જે કોવિડનો છૂપો ડર છે. એ કાઢી તેમને મુંઝવતા અનેક પ્રશ્નોના અમે સમાધાન આપી શકીએ અને તેમની પાસે ક્વોરેન્ટાઇનનું સંપૂર્ણ પાલન કરાવી તેમના સ્વાસ્થ્યની કાળજી અને સમાજના સ્વાસ્થ્યની કાળજી લઈ શકીએ.
અહીં કાર્યરત દુષ્યંત જાડેજા કહે છે કે, આશરે બે મહિનામાં 8000થી વધુ કોલ પર વાત કરી, લોકોને આ બીમારી વિશે અવગત કર્યા છે અને જામનગરને સંક્રમણથી બચાવવા માટેના પ્રયાસો કર્યા છે. આ પ્રયાસોની ફલશ્રુતિરૂપે જ જામનગરમાં આવેલા હાલના ઘણા કેસ આરોગ્ય, પોલીસ, વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસથી સમરસ હોસ્ટેલ ખાતે અથવા તો કોઈ એક જ વિસ્તારમાં એક જ ઘર પૂરતા જ મર્યાદિત રાખી અને લોકલ ટ્રાંસમિશનથી જામનગરને બચાવી શકાયું છે.
જામનગરમાં આવી જ રીતે લોકોને મુંઝવતા પ્રશ્નોના નિવારણ માટે 1077 હેઠળનો કંટ્રોલરૂમ કાર્યરત છે. કોરોનાવાયરસ બીમારીના કારણે લોકડાઉન નિર્મિત થયું ત્યારથી જ લોકોને કોઈપણ આવશ્યક વસ્તુઓ માટે માર્ગદર્શન મેળવવા, પૂછપરછ કરવા રાજ્ય સરકાર દ્વારા 1077 હેલ્પલાઇન નંબર હેઠળ સ્ટેટ કંટ્રોલ રૂમ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દરેક જિલ્લામાં આ હેલ્પલાઇન અંતર્ગતના કંટ્રોલરૂમ કાર્યરત કરાયા. જામનગર જિલ્લામાં ડિઝાસ્ટર ઓફિસ અંતર્ગત અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયાના નેજા હેઠળ કોરોના, ફુડ પેકેટ, પરપ્રાંતીઓ અને ક્યુઆરટી ટીમ વિશેના 4500 સૌથી વધુ કોલમાં લોકોની પૂછપરછના જવાબ, તેમના ફરિયાદના નિવારણ કરવામાં આવ્યા છે.
1077ના કંટ્રોલરૂમ દ્વારા લોકોના કોઈપણ પ્રશ્નોના નિવારણ માટે તેમને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે વહીવટીતંત્ર ખંતથી સતત બે મહિનાથી કામ કરી રહ્યું છે. તેમ જણાવતા અધિક નિવાસી કલેકટર કહ્યું હતું કે, આ કંટ્રોલરૂમ દ્વારા 2990 ઓનલાઇન ફરિયાદનું નિવારણ કરાયું, જ્યારે 267 જેટલી ક્યુઆરટી ટીમ મારફત મળેલી ફરિયાદોનું નિવારણ થયું છે અને 18381 જેટલી જુદી-જુદી ફરિયાદોનું નિવારણ સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા કરાયું છે.
તદુપરાંત આ હેલ્પલાઇન દ્વારા 4945 જેટલાં શ્રમિકોના પૂછપરછ અંગેના કોલ પર શ્રમિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કંટ્રોલરૂમ દ્વારા 1100 જેટલા પાસનું વિતરણ પણ કરાયું છે. કોરોનાની મહામારીએ લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉત્પન્ન કર્યા છે અનેક પ્રતિકૂળ પરિસ્થિતિઓ નિર્મિત થઈ છે, ત્યારે પ્રારંભથી લઇને હાલ સુધી અને હજુ પણ આગળ જામનગર જિલ્લાના લોકોને આ મહામારીમાં પણ લોકલ ટ્રાંસમિશનથી બચાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 24 કલાક કાર્યરત આ કંટ્રોલ રૂમો દ્વારા લોકોને માર્ગદર્શન આપીને લોકોના અમૂલ્ય જીવનને બચાવવા અનોખી સેવા થઈ રહી છે, તે અથાગ પ્રયત્નો અત્યંત સરાહનીય છે.