જામનગર: આધ્યશક્તિની આરાધાનાનું પર્વ એટલે કે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જામનગરના ખેલૈયાઓમાં નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. ચણિયા ચોળી સહિતના નવરાત્રીના અવનવા કપડા ખેલૈયાઓને આકર્ષી રહ્યાં છે. ત્યારે આ વખતે ૧૨ મીટરના ચણીયા યુવતીઓની પહેલી પસંદ બની રહી છે,જ્યારે પેન્ટિંગ વાળા દુપટ્ટાનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. પાકિસ્તાની દુપટ્ટા પણ બજારમાં જોવા મળી રહ્યાં છે. બીજી તરફ ખેલૈયા નવરાત્રીના ગરબામાં પહેરા માટેના ડ્રેસ ખરીદવા કરતા ભાડે લેવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. ચણીયા ચોળીનો ભાવ ૧૮૦૦ રૂપિયા થી લઈ ૫૫૦૦ રૂપિયા સુધીનો બજારમાં જોવા મળી રહ્યો છે. જ્યારે આજ કપડા ૮૦૦ થી ૧૦૦૦માં ભાડે મળતા હોવાથી ખેલૈયાઓ ભાડે લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
પાકિસ્તાની દુપટ્ટાની માંગ: જામનગર શહેરના ડીકેવી સર્કલ પાસે આવેલી એક ચણીયા ચોળીની દુકાનના માલિક જણાવી રહ્યા છે કે, યુવતીઓ મોટાભાગે સીમ્પલ ચણિયા ચોળી લેવાનું વધુ પસંદ કરી રહી છે, જોકે પાકિસ્તાની દુપટ્ટા પણ યુવતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે અને મોટી સંખ્યામાં યુવતીઓ તેની ખરીદી કરી રહી છે.