જામનગર : જામનગરને ક્રિકેટનું કાશી કહેવામાં આવે છે. ભારતીય ટીમમાં અનેક ખેલાડીઓ જામનગરની ભૂમિએ આપ્યા છે, સલીમ દુરાની, અજય જાડેજા, વિનુ માકડ, રવિન્દ્ર જાડેજા સહિતના સ્ટાર ખેલાડીઓ જામનગરની ભૂમિ પર ક્રિકેટ રમી અને દેશની ટીમમાં રમ્યા છે. જોકે હવે મહિલાઓ માટે આ વર્ષથી IPL મેચનું BCCI દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગરની બે મહિલા ક્રિકેટરને સ્થાન મળ્યું છે. જયશ્રી બા જાડેજા અને નેહા ચાવડા IPL રમતી જોવા મળશે.
જામનગરની દીકરીઓનો ડંકો : આગામી 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં મહિલા IPL ખેલાડીઓની હરાજી થશે. નેહા ચાવડા અને જયશ્રી બા જાડેજાનું નામ શોર્ટ લિસ્ટમાં સમાવેશ થયું છે અને બેઇસ પ્રાઈઝ રૂપિયા દસ લાખ આપવામાં આવ્યા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ જણાવ્યું કે, હવે જામનગરની દીકરીઓ પણ ક્રિકેટમાં ડંકો વગાડશે અને આગામી દિવસોમાં ભારતીય મહિલા ટીમમાં જામનગરની દીકરીઓ રમતી જોવા મળે તો નવાઈ નહીં.
409 ખેલાડી ઉપર 90 સ્થાન માટે બોલી : વિમેન્સ IPL માટે ખેલાડીઓની હરાજી 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે. કુલ 409 ખેલાડી ઉપર 90 સ્થાન માટે બોલી લાગશે. આ ટૂર્નામેન્ટમાં ભારત સહિત દુનિયાભરના ખેલાડીઓ સામેલ છે. લીગના તમામ 22 મેચ 4થી 26 માર્ચ સુધી મુંબઈમાં રમાશે. સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને જામનગર માટે ગૌરવ લેવાની બાબત એ છે કે આ હરાજીમાં જામનગરના બે મહિલા ખેલાડી જયશ્રી જાડેજા (બેટર) અને નેહા ચાવડાને (ઑલરાઉન્ડર) સ્થાન મળ્યું છે. મતલબ કે ફ્રેન્ચાઈઝીઓ આ ખેલાડીને ખરીદીને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. આ બન્ને ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
બેઝ પ્રાઈસનું લીસ્ટ : આ ટૂર્નામેન્ટમાં સામેલ થનારા તમામ ખેલાડીઓનું લિસ્ટ ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા છે. 24 ખેલાડીઓએ આ બેઝ પ્રાઈઝ માટે પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે. મતલબ કે તેમની હરાજી 50 લાખ રૂપિયાથી શરૂ થશે. 10 ભારતીય ખેલાડીઓ આ બેઝ પ્રાઈસમાં સામેલ છે. તો 14 વિદેશી ખેલાડીઓ એવા છે જેમણે પોતાની કિંમત 50 લાખ રૂપિયા નક્કી કરી છે. ભારતીય ખેલાડીઓમાં હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ, જેમિમા રોડ્રિગ્સ, શૈફાલી વર્મા, પૂજા વસ્ત્રાકર, ઋચા ઘોષ, સ્નેહ રાણા અને મેઘના સિંહ એવા ખેલાડી છે. જેમણે પોતાની મૂળ કિંમત 50 લાખ રૂપિયા નક્કી કરી છે.