સામાજિક આગેવાનોએ એસપીને પાઠવ્યું આવેદન જામનગરઃ શહેરના કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટીમાં રહેતા અબ્દુલ કાદિર અબ્બા અલી કેરુન આરબ નામના ૧૬ વર્ષના તરૂણે ૩ દિવસ પહેલાં જામનગર-કાલાવડ રોડ પર આવેલા વિજરખી ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. જેણે પોતાના મોબાઈલ ફોનમાં અચ્છા ચલતાહું દુવાઓ મેં યાદ રખના ગીત સાથેનું પોતાનું અંતિમ વીડિયો સ્ટેટસ અપલોડ કર્યું હતું. આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.
સમગ્ર ઘટનાક્રમઃ મૃતકના મિત્રો તોફિક ઉર્ફે ભાણેજ ખીરા, કામિલ ખેરાણી અને બીજા બે મિત્રો એમ કુલ 4 મિત્રોએ મૃતકને માર માર્યો. આ ઘટનાનો વીડિયો બનાવી લીધો. આ વીડિયોને ડીલીટ કરવા માટે અને સોશિયલ મીડિયામાં વાયરલ ન કરવા માટે મૃતક પાસેથી 30,000 રુપિયાની માંગણી કરી. તેઓ ભવિષ્યમાં પણ આમ કરશે તેવું કહીને મૃતકને વારંવાર ટોર્ચર કરતા હતા. મૃતક આ માનસિક ત્રાસ સહન ન કરી શક્યો અને તેણે આ ટોર્ચરમાંથી છુટવા નબળી ક્ષણે મોતની પછેડી તાણી લીધી. મિત્રોના માર અને વીડિયો બાબતે ખંડણી માગવા અને ધાકધમકીના ત્રાસથી કંટાળીને તરુણે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આવેદન પત્ર અપાયુંઃ તરુણને માનસિક ત્રાસ આપી મોતના મોઢામાં ધેકલી દેનારને કડક સજા થાય તે માટે આરબ સમાજે આજે એક્ઠા થયા હતા. આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકોએ રેલી કાઢી હતી. આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપીને આરોપીઓને કડક સજા થાય તેવી રજૂઆત કરી હતી. આ પ્રસંગે હાજી અલીભાઈ, હાજી યુસુફભાઈ અલ્ફાન, હાજી ઇબ્રાહીમભાઈ, હાજી બાજીયાત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસની કાર્યવાહીઃ મૃતક અબ્દુલ કાદિરની માતા સુલતાનાબેને પોતાના પુત્રને મોતના મોઢામાં ધકેલનાર તોફિક ખીરા અને કામિલ ખેરાણી તેમજ બીજા બે મિત્રો એમ કુલ 4 વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે પી સોઢાએ માતાની ફરિયાદને આધારે ચારેય મિત્રો વિરુદ્ધ આઈપીસી કલમ 305 અને 114 અંતર્ગત ગુનો દાખલ કરીને આ ચારેય મિત્રોની અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે.
અમારા ભત્રીજાને પહેલા ચાર યુવકોએ માર માર્યો અને તેનો વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયો ડીલીટ કરવા તેઓ પૈસાની માંગણી કરતા હતા. તેઓ અમારા ભત્રીજાને ધાક ધમકી પણ આપતા હતા. તેથી બીકના માર્યા મારા ભત્રીજાએ આત્મહત્યા કરી છે. તેથી અમારા સમાજના સભ્યો એક્ઠા થઈને એસપી સાહેબને આવેદન પત્ર આપ્યું છે...મોહસીન કેરુન(મૃતકના પરિજન, જામનગર)
- માતાએ કાળજુ કંપાવી નાખે તેવી ઘટનાને આપ્યો અંજામ, જાણીને ચોંકી જશો...
- આઈશા આત્મહત્યા કેસમાં સેસન્સ કોર્ટેનો મોટો ચુકાદો, જાણો શું આપવામાં આવી સજા