જામનગરના આમરા ગામમાં 400 વર્ષથી વરસાદના વરતારોને લઈને અનોખી પ્રથા જામનગર : હવામાન ખાતા દ્વારા ભલે આગાહીઓ થતી હોય, પરંતુ ઘણા ગામડાઓમાં આજે પણ પ્રાચીન પદ્ધતિઓથી વરસાદનો વરતારો નક્કી કરવામાં આવે છે, ત્યારે જામનગર નજીક આવેલા આમરા ગામના ખેડૂતો આજે પણ એક પરંપરાગત રીતથી વર્ષ કેવું રહેશે તે નક્કી કરે છે. અહીં ગામમાં આવેલા એક કુવામાં બે રોટલાઓ ફેંકી રોટલાની દિશા નક્કી કરવામાં આવે છે અને રોટલા જે દિશામાં જાય તેના પરથી નક્કી થાય છે કે વર્ષ કેવું રહેશે. જે પ્રથા આમરા ગામમાં છેલ્લા 400 કરતાં વધુ વર્ષથી ચાલી આવે છે.
400 વર્ષથી વરસાદનો વરતારો : જામનગર નજીક આવેલા આમરા ગામે કોઈપણ જાતના આયોજન કે જાહેરાત વગર અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામ લોકો એકઠા થઈ જાય છે. ચોમાસાને લઈ હવામાન ખાતું જે કઈ પણ આગાહીઓ કરતું હોય પરંતુ, આમરા ગામના લોકો માટે તો અષાઢ મહિનાના પ્રથમ સોમાવરે થતી આગાહી જ મહત્વની હોય છે. રોટલાને કુવામાં નાખી દિશા પરથી વરતારો નક્કી કરવાની પ્રથા આમરા ગામમાં છેલ્લા 400 કરતાં વધુ વર્ષોથી ચાલી આવે છે.
ગામની અનોખી છે પરંપરા : આ પ્રથા મુજબ ગામ લોકો અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામમાં એકઠા થાય છે, ત્યારબાદ રોટલા તૈયાર કરી ગામ લોકો વાજતે ગાજતે ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરે પહોંચે છે. જયાં જે વ્યક્તિ રોટલાને કુવામાં પધરાવે છે તે વ્યકિતને સ્નાન કરાવવામાં આવે છે, ત્યારબાદ રોટલાને પરથી કુવામાં પધરાવવામાં આવે છે. રોટલા કુવામાં પધરાવ્યા બાદ ગામના વડીલો રોટલા કઈ દિશામાં જાય છે તેના પર નજર રાખે છે. ગામના વડીલોનું માનીએ તો જો રોટલા પૂર્વ કે ઈશાન બાજુ જાય તો વર્ષ સારું રહે છે. આથમણી દિશામાં જાય તો વર્ષ થોડું નબળું પડે છે. રોટલાના વરતારો વિશે જાણવા મોટી સંખ્યામાં એકઠા થાય છે.
ભમરીયા કુવા પર ભેગા લોકો :હાલ જ્યારે વરસાદ ખેંચાયો છે, ત્યારે સૌ કોઈને ઈંતજાર છે કે વરસાદ કયારે આવશે અને વર્ષ કેવું રહેશે. જો આમરાના ગ્રામજનો દ્વારા આજના દિવસે કરવામાં આવેલા વરતારાની માનીએ તો આજે જે રોટલા ફેંકવામાં આવ્યા, તેમાં એક રોટલો ઉગમણી દિશામાં ગયો છે. ગામલોકોના મતે આ વર્ષ સારું રહેશે.
આ વર્ષે સારો વરસાદ પડશે : એક સમય હતો કે આમરા ગામમાં અષાઢ મહિનાના પ્રથમ સોમવારે જ્યારે રોટલાથી વરતારો થતો, ત્યારે આસપાસના 20 ગામના લોકો આ વરતારો જાણવા અહીં આવી પહોંચતા. જોકે, આજે વર્ષો બાદ આસપાસના ગામ લોકો અહીં નથી પહોંચતા. પરંતુ, આમરા ગામના લોકોએ તો આજે પણ આ પ્રથાને જાળવી રાખી છે. જેઓ આજે પણ જે રીતે વરતારો થાય છે તેના આધારે જ શેની વાવણી કરવી તેનો નિર્ણય કરે છે.
- Junagadh Rain: મેંદરડા વિસ્તારમાં સારો વરસાદ થતા વાવણીના શ્રીગણેશ કરતા ખેડુતો
- Banaskantha Rain: નાણી ગામમાં ભારે વરસાદ પડતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા, લોકો સ્થળાંતર કરવા બન્યા મજબૂર
- Rain News : સાબરકાંઠામાં મેઘ મલ્હાર, રોડ રસ્તાથી લઈને ખેતરોમાં વરસાદી પાણી ભરાયા