જામનગર : કોરોના વાઈરસના ફેલાવાને કારણે લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખી જામનગર પોલીસ દ્વારા લોકોને આવશ્યક ચીજ-વસ્તુઓ ઘર બેઠાં ઉપલબ્ધ થાય તે માટે જન સારથી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ પ્રોબેશન એએસપી સફીન હસન અને જામનગર પોલીસની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ એપ્લીકેશન હાલમાં પોર્ટલ રૂપે લોન્ચ કરવામાં આવી છે.
જામનગર પોલીસ દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ એપ્લિકેશન મારફત જામનગરના લોકો પોતાના નજીકના દૂકાનદારો પાસેથી શાકભાજી, ફળ, દવાઓ વગેરે મેળવવા માટે ફોન પર ઓર્ડર નોંધાવી શકશે. નોંધાયેલા ઓર્ડર જે-તે દુકાનદાર પોલીસ અધિકૃત હોમ ડિલિવરી એજન્ટ દ્વારા ઘર સુધી પહોંચાડશે. આ ઉપરાંત શહેરના કોઇ વ્યકિતને સ્વાસ્થ્ય ચકાસણીની આવશ્યકતા ઉભી થાય કે, કોરોના વાઈરસ સબંધિત લક્ષણો જણાતા તંત્રને જાણ કરવી હશે તો વીડિયો રિકવેસ્ટ રેકોર્ડ કરીને આ એપ પર અપલોડ કરી શકાશે.
જામનગરના કવોરોન્ટાઈન વિસ્તારમાં પાણી-વીજળી જેવી પ્રાથમિક જરૂરિયાતની સુવિધા ન મળતી હોય તો લોકો પોલીસને ફોટો, વીડિયો અથવા મેસેજ સ્વરૂપે મોકલી શકશે. જામનગરમાં પરપ્રાંતિયો અને શ્રમિકો દ્વારા થતાં સ્થળાંતરના ફોટો પણ અપલોડ કરીને રિપોર્ટ કરી શકાશે. જેના લોકેશનના આધારે પોલીસ તરત પગલા લઇ શકશે. આ ઉપરાંત ફેકટરી માલિક દ્વારા કોઈ કામદારોનું ધ્યાન રાખવામાં આવતુ ન હોય તો તેનું રિપોર્ટીંગ પણ કરી શકાશે. તદઉપરાંત શહેરના સેલ્ટર હોમના લોકેશન, કોરોના વાઈરસ હોટ-સ્પોટ મેપીંગ, નોટિફિકેશન વગેરે જાણકારી પણ આ એપ દ્વારા મળી રહેશે.
ઉપરોકત સુવિધા ઉપરાંત હોમ ડિલેવરી આપવા માટે રસ ધરાવતા વેપારીઓ પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે. પોલીસના ઈન્ટરફેશ દ્વારા કવોરોન્ટાઈન થયેલા લોકોનું મોનીટરીંગ પણ કરવામાં આવશે. જેમાં લોકો તરફથી આવતી ફરિયાદ અને ફિડબેક દ્વારા તુરંત પગલાં લેવામાં આવશે. આ એપ્લીકેશનની સેવા મેળવવા માટે http://www.jansarthi.in પરથી રજીસ્ટે્રશન કરી શકાશે.